ઓડમાં તસ્કરોનો હુમલો: પાંચ ખેડૂતના કૂવા તોડી ચોરી
ઓડ: ઓડ શહેરના સીમ વિસ્તારમાં રવિવારે રાત્રિ દરમિયાન તસ્કરોએ પાંચ ખેતીવાડીના કૂવાઓને નિશાન બનાવ્યા હતા. તસ્કરોએ કૂવાના તાળાં તોડીને કિંમતી સામાનની ચોરી કરી હતી, જેના પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઓડ-કણભાઈપુરા રોડ પર આવેલા પ્રવિણ (ટીનાભાઈ) પટેલના કૂવા પર તસ્કરો ત્રાટક્યા હતા. અહીં સીસીટીવી કેમેરા તોડી નાખીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ સ્થળે અગાઉ પણ ચોરી અને તોડફોડની અનેક ઘટનાઓ બની ચૂકી છે.
આ ઉપરાંત, તસ્કરોએ ઓડ-ખોબલીપુરા માર્ગ પર આવેલા અન્ય ચાર કૂવાઓને પણ નિશાન બનાવ્યા હતા. આ કૂવાઓ કાવ્ય અશોક પટેલ, રમેશ પટેલ, રાજેન્દ્ર પટેલ અને પુનમ પટેલના હતા.
ચોરી થયેલા સામાનમાં ખાતર (સલ્ફેટ), વજન કાંટા તથા અન્ય નાના-મોટા ઓજારો અને પરચૂરણ સામાનનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં અગાઉ પણ ટ્રેક્ટરની ટ્રોલી, ખેતીના સાધનો અને કૂવાના લોખંડના ઝાંપા કાપી જવાની ઘટનાઓ નોંધાઈ છે.
ચોરીની આ સતત વધતી ઘટનાઓ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે. ખેડૂતોએ રાત્રિ દરમિયાન સીમ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે, જેથી ખેડૂતોને આર્થિક નુકસાનથી બચાવી શકાય.