Advertisement

ઉમરેઠ હાઈવે પર દારૂડિયા કારચાલક બેફામ બન્યો: ડાકોર જતા પદયાત્રીઓ બચ્યા, મોટી દુર્ઘટના ટળી

ઉમરેઠ હાઈવે પર દારૂડિયા કારચાલક બેફામ બન્યો: ડાકોર જતા પદયાત્રીઓ બચ્યા, મોટી દુર્ઘટના ટળી

ઉમરેઠ ખાતે એક ગંભીર માર્ગ અકસ્માત ટળતાં મોટી જાનહાનિ થતી અટકી છે. અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા ‘તથ્યકાંડ’ જેવી ઘટના અહીં સર્જાવાની સહેજમાં રહી ગઈ હતી. દારૂના નશામાં ધૂત બે યુવકો કાર પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી, જોકે સદનસીબે ડાકોર જતા પદયાત્રીઓનો આબાદ બચાવ થયો હતો.


આ ઘટના ઉમરેઠ હાઈવે પર બની હતી. હાલ ડાકોરમાં પૂનમ ભરવા જઈ રહેલા ભક્તોની ભારે અવરજવર અને પદયાત્રીઓની ભીડ જોવા મળી રહી છે. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે સ્ટેયરિંગ પરથી નિયંત્રણ ગુમાવતા કાર રોડ પર પલટી મારી ગઈ હતી.


પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જ્યાં કાર પલટી ખાઈ હતી ત્યાંથી થોડા જ અંતરે પદયાત્રીઓ ચાલી રહ્યા હતા. જો કારની દિશા સહેજ પણ બદલાઈ હોત અને તે ભક્તોના ટોળામાં ઘૂસી હોત, તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત અને અનેક નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ ગયા હોત.


કાર પલટી મારતાની સાથે જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક મદદ કામગીરી હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારમાં સવાર બે યુવકો દારૂના નશામાં હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.


પોલીસે દારૂના નશામાં વાહન ચલાવનાર યુવકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો તેમજ પદયાત્રીઓની સલામતી માટે હાઈવે પર કડક દેખરેખ રાખવાની માંગ ઉઠી છે.

Advertisement