Advertisement

ઉમરેઠ પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ 27 ખોવાયેલા મોબાઈલ શોધી માલિકોને પરત કર્યા

ઉમરેઠ પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ 27 ખોવાયેલા મોબાઈલ શોધી માલિકોને પરત કર્યા

આણંદ જિલ્લા પોલીસ “આપની સાથે, આપના માટે” ના મંત્ર સાથે પ્રજાની સેવા માટે સતત કાર્યરત છે. પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસ અને સહકાર વધે તેમજ લોકાભિમુખ પોલીસિંગને વધુ મજબૂત બનાવવાના હેતુથી ઉમરેઠ પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ એક સરાહનીય પહેલ હાથ ધરી હતી.


ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમ અંતર્ગત પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સઘન તપાસના આધારે ખોવાયેલા કુલ 27 મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા. વિવિધ અરજીઓ અને ફરિયાદોના આધારે આ મોબાઈલનું ટ્રેકિંગ કરી, કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મોબાઈલના અસલ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.


પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પોતાના ખોવાયેલા મોબાઈલ પરત મળતા માલિકોના ચહેરા પર આનંદ અને સંતોષની લાગણી સ્પષ્ટ જોવા મળી હતી. નાગરિકોએ ઉમરેઠ પોલીસની સક્રિયતા, નિષ્ઠા અને જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી.


આ પહેલ દ્વારા ઉમરેઠ પોલીસે માત્ર કાયદો જાળવવાનું નહીં પરંતુ સામાન્ય નાગરિકોની સમસ્યાઓનું સંવેદનશીલતાપૂર્વક નિરાકરણ લાવવાનું પોતાનું વચન ફરી એકવાર સાબિત કર્યું છે. પોલીસ પ્રજાની સુરક્ષા અને સહાય માટે હંમેશા તત્પર રહેશે તેવી ભાવના પણ આ કાર્યક્રમ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

Advertisement