Advertisement

ઉમરેઠમાં વિદેશી દારૂની મહેફિલ પકડાઈ, 5 ઝડપાયા

ઉમરેઠમાં વિદેશી દારૂની મહેફિલ પકડાઈ, 5 ઝડપાયા

ઉમરેઠ તાલુકાના લીંગડા ગામ સ્થિત ગમનપુરા રોડ ઉપર આવેલા એક ખેતરની ઓરડીમાં વિદેશી દારૂની મહેફિલ માણતા ઉમરેઠના આશીપુરા અને લીંગડા ગામના પાંચ જણાને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી દારૂ, મોબાઈલ અને ત્રણ ટુ વ્હીલર મળી કુલ રૂપિયા 1.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરેઠ તાલુકાના લીંગડા ગામથી ગમનપુરા તરફ જતા રોડ ઉપર આવેલી અલ્પેશ ભાનુ પટેલના ખેતરમાં આવેલી ઓરડીમાં કેટલાંક શખસ ભેગા મળીને વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની ચોક્કસ બાતમીના આધારે ઉમરેઠ પોલીસની ટીમે ઓરડીમાં દરોડો પાડ્યો હતો.

પોલીસને જોતાવેંત જ પાંચેય શખસો વચ્ચે ચાલી રહેલી મજાક-મસ્તી મૌનમાં પરિણમી હતી. પોલીસે સ્થળ પર દારૂની અડધી બોટલ, બિયરના ચાર ખાલી ટીન કબજે લીધા હતા. પકડાયેલા શખસના નામ-ઠામની પૂછપરછ કરતા આશીપુરા ગામ સ્થિત સુથારવાળા ફળીયામાં રહેતો અલ્પેશ ભાનુ પટેલ, આશીપુરા ગામે વડવાળી ખડકીમાં રહેતો પરાગ રમેશ પટેલ, મયંક જગદીશ પટેલ, આશીપુરા ગામે લીમડાવાળી ખડકીમાં રહેતો ધવલ ભુપેન્દ્ર પટેલ અને લીંગડા ગામે રહેતો રમણ નાનજી હોવાનું જણાવ્યું હતું. પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂની અડધી બોટલ, બીયરના ચાર ખાલી ટીન, પાંચ મોબાઈલ ફોન, ત્રણ મોપેડ મળી કુલ રૂપિયા 1.40 લાખનો મુદ્દામાલ કબજે કરી પાંચેય વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement