આંકલાવ તાલુકાના આમરોલ ગામમાં સ્મશાન તરફ જતા વર્ષો જૂના રસ્તા પર અતિક્રમણ થતા વિવાદ ઉભો થયો છે. મહીસાગર નદી કિનારે આવેલા સ્મશાન સુધી પહોંચવા માટે ગ્રામજનો જે માર્ગનો ઉપયોગ કરતા હતા, તેને બિલ્ડરો દ્વારા ફેન્સિંગ લગાવીને બંધ કરી દેવામાં આવ્યો હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવી વિરોધ કર્યો છે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે બિલ્ડરોએ માત્ર રસ્તો જ બંધ નથી કર્યો, પરંતુ સરકારી જમીન પર ગેરકાયદેસર પાકું બાંધકામ પણ કર્યું છે. આ મુદ્દે ગ્રામજનોએ ગામમાં વિરોધ પ્રદર્શિત કરતા બોર્ડ લગાવીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
આ સમસ્યાના કાયમી ઉકેલ માટે આમરોલના રહીશો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેમણે રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું હતું.ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે સ્મશાન સુધી પહોંચવા માટે આ એકમાત્ર મુખ્ય માર્ગ છે. જો તે બંધ રહેશે તો અંતિમ વિધિ માટે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. ગ્રામજનોએ તંત્ર પાસે આ ગેરકાયદેસર ફેન્સિંગ તાત્કાલિક હટાવવા અને જૂનો રસ્તો ફરીથી ખુલ્લો કરવાની માંગ કરી છે