આણંદ LCBનો છાપો! ટેન્કરથી 20 લાખનો દારૂ પકડાયો
આણંદ એલ.સી.બી. પોલીસે બોચાસણ ટોલનાકા નજીકથી વિદેશી દારૂ ભરેલા એક ટેન્કરને ઝડપી પાડ્યું છે. પોલીસે ટેન્કરમાંથી ₹20.21 લાખનો દારૂનો જથ્થો અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે હરિયાણાના એક ચાલકની ધરપકડ કરવામાં આવી છે.
આણંદ એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી કે વાસદથી કાઠિયાવાડ તરફ જતા MH 46 AR 2168 નંબરના સફેદ ટેન્કરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે, એલ.સી.બી. ટીમે આજે વહેલી સવારે વાસદ-બગોદરા સ્ટેટ હાઈવે પર બોચાસણ ટોલનાકા નજીક તારાપુર તરફ જવાના રોડ પર વોચ ગોઠવી હતી.
બાતમી મુજબનું ટેન્કર આવતા પોલીસે તેને રોક્યું હતું અને ચાલક અજરૂદીન સુલેમાન ખાન (રહે. આકેરા, જિ. નુહુ, હરિયાણા) ને અટકાયતમાં લીધો હતો. ટેન્કરમાં ભરેલા સામાન અંગે પૂછપરછ કરતા ચાલકે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ પોલીસે ટેન્કરના ઉપરના પાંચેય ખાનાના નટ-બોલ્ટ ખોલી તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના દારૂના 6480 નંગ ક્વાર્ટરીયા મળી આવ્યા હતા.
પોલીસે ₹20,21,760 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો, ₹10,00,000 ની કિંમતનું ટેન્કર અને ₹10,000 ની કિંમતનો એક મોબાઈલ ફોન મળીને કુલ ₹30,31,760 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
દારૂના જથ્થા અંગે ચાલક અજરૂદીનની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે સાહીદ (રહે. કોટલા, જિ. નુહુ, હરિયાણા) નામના વ્યક્તિએ ગોવાથી આ દારૂ ભરેલું ટેન્કર તેને આપ્યું હતું. આ માહિતીના આધારે, પોલીસે ટેન્કર ચાલક અજરૂદીન સુલેમાન ખાન અને દારૂનો જથ્થો મોકલનાર સાહીદ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.