આણંદ DDO દેવાહુતીએ કાસોર ગામની ઓચિંતી મુલાકાત, વિકાસ અને શાળાઓનું નિરીક્ષણ

આણંદ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીએ સોજિત્રા તાલુકાના કાસોર ગામની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમણે ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી અને પ્રાથમિક શાળાનું નિરીક્ષણ કર્યું હતું. પંચાયતની મુલાકાત દરમિયાન, DDOએ ગામમાં ચાલી રહેલા અને પૂર્ણ થયેલા વિકાસ કાર્યો અંગે સરપંચ, તલાટી, સભ્યો અને કર્મચારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે વેરા વસૂલાત, પીવાના પાણીની વ્યવસ્થા, સ્વચ્છતા, ગટરના નિકાલ, રસ્તા, સ્ટ્રીટલાઇટ અને આવાસ યોજનાઓ સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને કામગીરીની ગુણવત્તા અને સમયસર અમલીકરણ અંગે તેમણે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ ઉપરાંત, આંગણવાડી અને પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન, તેમણે રાબેતા મુજબની શૈક્ષણિક કામગીરીનું અવલોકન કર્યું હતું. પ્રાથમિક શાળામાં તેમણે પ્રયોગશાળા અને વિદ્યાર્થીઓની મૌખિક અભિવ્યક્તિ વિકસાવવા પર ભાર મૂક્યો હતો, તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો.
આ અચાનક મુલાકાતથી વિકાસ કાર્યોમાં વધુ પારદર્શિતા અને જવાબદારી આવશે તેવી ગ્રામજનોમાં લાગણી પ્રવર્તી રહી છે.