આણંદ–સોજિત્રા હાઇવે: રવિપુરા રેલવે પુલ નીચે 100 ફૂટમાં 80થી વધુ ખાડા
આણંદ થી સોજિત્રા સ્ટેટ હાઇવે પર હાલમાં રવિપુરા પાસે રેલ્વે કોરીડોરના પુલ નીચે તેમજ આસપાસના વિસ્તારમાં માર્ગ ધોવાઇ ગયો હોવાથી 100 ફૂટના અંતરમાં 80 થી વધુ ખાડા ખાડા પડી ગયા છે. જેના કારણે વાહનચાલકોને અકસ્માત થવાનો ભય રહે છે. રોડ ધોવાઇ ગયા બાદ માર્ગ મકાન વિભાગ દ્વારા પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવતી નથી. જેને લઇને વાહનચાલકોને હાલાકી વેઠવાનો વખત આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ થી સોજિત્રા રોડ પર ફોર લેન રોડ કામગીરી ઘણા સમયથી ચાલી રહી છે. હાલમાં આ રોડ પર વલાસણ નહેર ગરનાળાનું કામ તેમજ રવિપુરા રેલ્વે બ્રિજ નીચે મોટા મોટા ખાડા પડી ગયા છે. તેમજ ચાલુ વરસાદે પાણી ભરાઇ જાય છે .જેથી રાત્રિના સમયે વાહનચાલકોને ખાડાનો અંદાજ આવતો નથી. જેના કારણે ટુ વ્હીલર ચાલકો રોડ પર પટકાવવાના બનાવો વધી ગયા છે. જે બાબતે માર્ગ મકાન વિભાગમાં રજૂઆત કરવા છતાં કોઇ જ પગલાં ન લેવાતા ભારે રોષ જોવા મળી રહ્યો છે.