આણંદ સુપર માર્કેટમાં દબાણો પર ત્રાટક, 41 દુકાનદારોને 2.5 લાખ દંડ
કરમસદ આણંદ મનપાના સુપર માર્કેટ વિસ્તારમાં જાહેર માર્ગો પર અનધિકૃત દબાણો દૂર કરવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.જાહેર રસ્તાઓ પર માલસામાન મૂકીને અવરજવર અવરોધ કરતાં 41 જેટલા દુકાનદારોને નોટીસ પાઠવીને સ્થળ પર રૂ 5 હજારનો દંડ ફટકારીને કુલ 2.5 લાખનો દંડ વસુલાયો હતો.
મ્યુ. કમિશન મિલિંદ બાપના માર્ગદર્શન હેઠળ એસ્ટેટ વિભાગ દ્વારાએસ્ટેટ વિભાગ દ્વારા સુપર માર્કેટમાં કુલ 41 જેટલા એકમો સામે દંડની નોટિસ આપીને કાર્યવાહી કરવામાં આવી છે. દરેક એકમ પાસેથી અનધિકૃત દબાણના વહીવટી ચાર્જ પેટે રૂ 5 હજારનો દંડની રકમ વસૂલવા માટે સૂચના આપવામાં આવી છે. અડચણરૂપ માલ સામાન મુકનાર 41 દૂકાનદારો પાસેથી વસૂલવામાં આવેલ કુલ દંડની રકમ રૂ 2.5 લાખ દંડ થાય છે. આ પગલું સુપર માર્કેટમાં ગ્રાહકો અને સામાન્ય નાગરિકો માટે અવરજવર સરળ અને સુરક્ષિત બનાવવાના હેતુથી લેવામાં આવ્યું છે.
દંડનીય કાર્યવાહીનો ભોગ બનેલા એકમોમાં મુખ્યત્વે કપડાં અને રેડીમેડ સ્ટોર્સનો સમાવેશ થાય છે. જેમને નોટિસ આપવામાં આવી છે તેમાં પંકજ કાપડ ભંડાર, આરતી સિલ્ક , રાની સાડી પેલેસ , રાધે ડ્રેસીસ, કિશ્ના સિલ્ક પેલેસ, નીરાલી એન એક્સ, એકતા નડિયાદ વાલા સાડી સેન્ટર ,રૂપ કલા,સગાઈ સાડી સેન્ટર જેવા એકમોનો સમાવેશ થાય છે.
6 ઠ્ઠીએ સુનાવણી બાદ સુપરમાર્કેટ તોડવુ કે કેમ તે નક્કી કરાશે આણંદ સુપરમાર્કેટ ચાર દાયક જૂનું હોવાથી 350થી વધુ દુકાનો જર્જરીત હાલતમાં ફેરવાઇ ગઇ છે. જેથી માનવ જીવન માટે જોખમી બની હોવાથી મનપાએ તમામ દુકાનદારો નોટીસ પાઠવીને ખાલી કરવા જણાવ્યું હતું. જો કે વેપારીઓ હાઇકોર્ટમાં અપીલ કરી છે. જેની સુનાવણી 6 ઠ્ઠી જાન્યુઆરી હાથ ધરનાર છે. સુનાવણી બાદ ખાલી કરવાનો ચુકાદો આવશે તો આગામી દિવસો ખાલી કરાવીને સુપરમાર્કેટ તોડી પાડીને નવું આધુનિક સુવિધાવાળુ કોમ્પ્લેક્ષ બનાવાશે તેમ મનપાના સૂત્રોએ જણાવ્યું હતું.
પૂનઃ અડચણરૂપ માલસામન મુકતા ઝડપાય તો કડક કાર્યવાહી મનપાના એસ્ટેટ વિભાગે તમામ વેપારીઓને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જાહેર જગ્યા પર કોઈપણ પ્રકારનું દબાણ કરવું ગેરકાયદેસર છે અને તેને ચલાવી લેવામાં આવશે નહીં. દંડની નોટિસમાં જણાવ્યા મુજબ, દરેક એકમને રૂ 5 હજાર નો દંડ તાત્કાલિક ભરવા તેમજ ભવિષ્યમાં આવા દબાણો ન કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે.વેપારીઓએ શહેરની વ્યવસ્થા જાળવવામાં સક્રિય સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી છે, જેથી કરીને અન્ય નાગરિકોને કોઈ અગવડતા ન પડે. એસ્ટેટ વિભાગની આ કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.