આણંદ સામરખા ચોકડી પાસે કેમિકલ ટેન્કર પલટ્યું, ઝાયલીન લીક થતાં વાહનવ્યવહાર બંધ, તંત્ર એલર્ટ

આણંદની વ્યસ્ત સામરખા ચોકડી નજીક આજે વહેલી સવારે એક કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું હતું. આ દુર્ઘટનાને કારણે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને જ્વલનશીલ કેમિકલ લીક થવા લાગ્યું હતું.
ટેન્કરમાંથી 'ઝાયલીન' (Xylene) નામનું અત્યંત જ્વલનશીલ અને ઝેરી કેમિકલ લીક થવા માંડ્યું હતું. આ કેમિકલ હવામાં ભળતા આસપાસના લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડવાની ફરિયાદો નોંધાઈ હતી.
ઘટનાની જાણ થતાં જ કરમસદ-આણંદ મનપાના ફાયર ફાયટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કેમિકલની જ્વલનશીલતાને ધ્યાનમાં રાખીને, ફાયર ફાઈટરો દ્વારા આગની મોટી દુર્ઘટના ટાળવા માટે કેમિકલ ફોમ અને પાણીનો સતત છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
આણંદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સલામતીના ભાગરૂપે તાત્કાલિક પગલાં લીધા હતા. પોલીસે બ્રિજ નીચેનો સર્વિસ રોડ બંને બાજુથી બંધ કરી દીધો છે અને વાહનવ્યવહારને અન્ય માર્ગે વાળવામાં આવ્યો છે.
હાલમાં, સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને નિષ્ણાતો દ્વારા કેમિકલ લીકેજ બંધ કરવાના પ્રયાસો ચાલુ છે. સ્થાનિક તંત્રએ નાગરિકોને આ વિસ્તારથી દૂર રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.