આણંદ: સરદાર પટેલની જયંતિ પર એકતા પદયાત્રાનો ધમાકેદાર પ્રદર્શન
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત આણંદ જિલ્લામાં પણ જિલ્લા કક્ષાની એકતા પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રામાં સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પદયાત્રાનો શુભારંભ અમૂલ ડેરીના પ્રાંગણમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની અર્ધપ્રતિમાને સુતરની આંટી પહેરાવીને ભાવાંજલિ અર્પણ કરીને કરવામાં આવ્યો હતો. મહાનુભાવો દ્વારા પદયાત્રાને ફ્લેગ ઓફ કરાયા બાદ કાર્યક્રમના અંતે સ્વદેશીના શપથ લેવામાં આવ્યા હતા.
આ પ્રસંગે આણંદની શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું હતું. ઉપરાંત, શૈક્ષણિક વર્ષમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
સાંસદ મિતેશભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલે સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન હૈદરાબાદ, જૂનાગઢ સહિતના 562 રજવાડાઓને એકત્રિત કરવાનું અદ્ભુત કાર્ય કર્યું હતું, જે ફક્ત સરદાર પટેલ જ કરી શકે.
આ પદયાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, અમૂલ ડેરીના વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમાર, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નાયબ મ્યુનિસિપલ કમિશનર નિલાક્ષા મકવાણા સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસકર્મીઓ, આણંદ જિલ્લાના અગ્રણીઓ, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ, એન.એસ.એસ. અને એન.સી.સી.ના કેડેટ્સ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.