આણંદ યુવા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સંજયસિંહ રાજે રાજીનામું આપ્યું, ગરીબ અને મધ્યમ વર્ગના હિત માટે લડવાની પ્રતિબદ્ધતા જાહેર
જિલ્લાના રાજકારણમાં આજે એક મોટો ગરમાવો જોવા મળ્યો છે. આણંદ જિલ્લા યુવા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સંજયસિંહ રાજે તા23મીના રોજ પોતાના પદ અને પક્ષમાંથી સત્તાવાર રીતે રાજીનામું આપી દીધું છે. તેઓએ અત્યંત ભારે હૈયે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, તેઓ બાળપણથી જ સંઘર્ષ સાથે જોડાયેલા છે અને હંમેશા ગરીબ તેમજ મધ્યમ વર્ગના હિતો માટે લડતા આવ્યા છે.
9 નવેમ્બર 2021ના રોજ લાભ પાંચમના શુભ દિવસે તેમણે કોંગ્રેસની વિચારધારાથી પ્રેરાઈને પક્ષમાં જોડાણ કર્યું હતું, પરંતુ સમય જતાં તેમને પક્ષમાં માત્ર આંતરિક જૂથવાદ અને તકવાદી રાજનીતિ જ જોવા મળી છે. સંજયસિંહ રાજે પક્ષની વર્તમાન સ્થિતિ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, જે કોંગ્રેસે દેશને આઝાદી અપાવી હતી તે લડાયક નેતાઓની વિચારધારા આજના પક્ષમાં ક્યાંય જણાતી નથી. તેમણે વર્તમાન કોંગ્રેસને રૂઢિચુસ્ત અને પેઢીવાદી ગણાવતા ઉમેર્યું કે, અહીં લડાયક લોકોના વિચારોને અંદરથી મારી નાખવાનું કામ થઈ રહ્યું છે.