આણંદ બન્યું તિરંગા મય, દેશભક્તિને રંગે રંગાયા નગરજનો
આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
તિરંગા યાત્રામાં ઘોડેશ્વાર પોલીસ, બાઈક સવાર પોલીસ, હોમગાર્ડ, ટીઆરબી જવાનો, એનસીસીના વિદ્યાર્થીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ, નગરજનો મોટી સંખ્યામાં સહભાગી બન્યા
આણંદ ટાઉન હોલ ખાતેથી વિદ્યાનગર શહીદ ચોક સુધી યોજાયેલ તિરંગા યાત્રામાં પાંચ હજારથી વધુ નગરજનો ઉત્સાહભેર જોડાયા

આણંદ, મંગળવાર :સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે "હર ઘર તિરંગા" અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને કરમસદ આણંદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ભવ્ય તિરંગા યાત્રાને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર શ્રી મિલિંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, અગ્રણી શ્રી સંજયભાઈ પટેલએ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ આણંદ જિલ્લાના નગરજનોને આ તિરંગા યાત્રામાં સહભાગી બનવા બદલ અને દેશભક્તિ અદા કરવા બદલ શુભકામના પાઠવી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા રાખવા માટે કરેલ અપીલને બિરદાવીને આણંદ જિલ્લાને સ્વચ્છ બનાવવા સૌને સહભાગી બનવા ખાસ અનુરોધ કર્યો હતો.
આ વર્ષની થીમ "હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’’ ‘‘સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ" હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં દેશભક્તિ અને સ્વચ્છતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
આ તિરંગા યાત્રા આણંદ ટાઉન હોલ ખાતેથી વિદ્યાનગર શહીદ ચોક સુધી યોજવામાં આવી હતી. જેમાં પાંચ હજારથી વધુ લોકો ઉમંગભેર જોડાયા હતા.
આણંદ વિદ્યાનગર રોડ સ્વાતંત્ર્ય પર્વની તિરંગા રેલી યોજવાથી ભક્તિમય બન્યો હતો અને વાતાવરણ તિરંગામય બન્યું હતું. કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા વિદ્યાનગર રોડની બંને બાજુ આવેલ બિલ્ડીંગો ઉપર રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યા, આ ઉપરાંત વિદ્યાનગર રોડ ઉપરના તમામ થાંભલાઓ ઉપર સિરીઝ લગાવવામાં આવી અને સુશોભન માટે ૫૦૦ જેટલી લાઇટો લગાવવામાં આવી હોવાથી આણંદ વિદ્યાનગર દેશભક્તિના રંગે રંગાયું હતું.
કાર્યક્રમના પ્રારંભે સ્કૂલના નાના ભૂલકાઓએ વિશેષ વેશભૂષામાં આ સમયે દેશભક્તિ ઉપર પોતાનું નૃત્ય રજૂ કર્યું હતું.તિરંગા રેલીની શરૂઆતમાં તિરંગા ઝંડા સાથે બાઇક સવાર પોલીસમેન, ઘોડેશ્વાર પોલીસ, પોલીસ બેન્ડ, યુવાઓ, રમતવીરો, એનસીસીના વિદ્યાર્થીઓ, ૧૩ એનસીસી ગુજરાત બોયઝ બટાલિયન, ૪ એનસીસી ગર્લ્સ બટાલિયન, પોલીસના વીર જવાનો, હોમગાર્ડ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ, ટીઆરબી જવાનો, ગ્રામ રક્ષક દળના જવાનો, વિવિધ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
શહીદ ચોક ખાતે આ તિરંગા રેલીના સમાપન સમયે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ દેશપ્રેમને ઉજાગર કરતી તિરંગા રેલીમાં જોડાયેલ પદાધિકારીઓ, અધિકારીઓ, નગરજનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને એનસીસી કેડેટ્સ સહિત સૌ કોઈ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
રાષ્ટ્રગાન સાથે આ તિરંગારેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.
આ તિરંગા રેલીમાં પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર શ્રી ઋતુરાજ દેસાઈ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે. એન. પંચાલ, પ્રાંત અધિકારીશ્રી મયુર પરમાર, નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી નિલાક્ષ મકવાણા, એસ. કે. ગરવાલ, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી, મામલતદારશ્રી સહિત અધિકારી, કર્મચારીઓ, અગ્રણીશ્રી સુનિલભાઈ શાહ, જગતભાઈ પટેલ, પથિક પટેલ, દીપિકાબેન પટેલ સહિત વિવિધ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.