Advertisement

આણંદ પોલીસ એક્શનમાં: ચાઈનીઝ દોરી વેચતા 3 શખ્સ પકડાયા

આણંદ પોલીસ એક્શનમાં: ચાઈનીઝ દોરી વેચતા 3 શખ્સ પકડાયા

આણંદ જિલ્લામાં પેટલાદ શહેર, બોરસદની નિસરાયા ચોકડી અને આંકલાવ અંબાલી રોડ ઉપરથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે ત્રણ શખ્સોને આણંદ એસઓજી, બોરસદ શહેર અને આણંદ એલસીબી પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આગામી ઉતરાયણના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી હોઈ ઉતરાયણના તહેવાર દરમ્યાન લોકોના જીવને જોખમરૂપ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની હેરાફેરી, વેચાણ અને સંગ્રહની પ્રવૃત્તિ અટકાવવા સારૂ આણંદ જીલ્લા પોલીસ અધિક્ષક જી.જી.જસાણી દ્વારા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન સાથે અસરકારક કામગીરી કરવા સૂચનાઓ આપી હતી. આણંદ એસઓજી પોલીસના માણસો પેટલાદ તાલુકાના જોગાણ ગામે નહેર ઉપર કેસર ફાર્મના બોર્ડ નજીક એક શખ્સ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે આવનાર છે. વર્ણન મુજબનો શખ્સ આવતા તેને ઝડપી લઈ પુછપરછ કરતાં પોતાનું નામ રવિ ઉર્ફે ગોપી રસીકભાઈ પારેખ (રહે.જોગણ. નહેર પર, ખાડામાં) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી રૂ 11500ની કિંમતની પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 23 ફીરકા સાથે ઝડપી પાડી પેટલાદ શહેર પોલીસમથકમાં ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બોરસદ શહેર પોલીસમથકના માણસો બાતમી આધારે નિસરાયા ચોકડી વાસણા ફાટક પાસે છાપો મારી રૂ 600ની કિંમતની પ્રતિબંધિત ચાઈની દોરીના ત્રણ ફીરકા સાથે સંજય રમણભાઈ મોહનભાઈ (રહે.બોરસદ. પાંચવડ પોલીસ ચોકી પાછળ,સરકારી ગોડાઉન પાસે) ને ઝડપી પાડી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ એલસીબી પોલીસના માણસો આંકલાવ તાલુકાના ભેટાસી વાંટા ગામે પીઠા પાસે રહેતો રહીમ છત્રસિંહ પરમાર પોતાના મોપેડ નંબર જીજે-23-ઈઈ-1615 ઉપર પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફીરકી સાથે વેચાણ કરવા માટે આંકલાવ અંબાલી રોડ નાની નહેર ઉપરથી રહીમ પરમારને રૂ 3600ની કિંમતની પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફીરકી નંગ-12 અને મોપેડ મળી રૂ 53600ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પુછપરછ કરતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફીરકીઓ ભાદરણ ગામે ટાવર પાસે વાંટામાં રહેતા આરીફ રાજેશભાઈ પરમાર પાસેથી લાવ્યાની કબુલાત કરતા બંને વિરુદ્ધ આંકલાવ પોલીસમથકમાં ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement