આણંદ નજીક નાપાડ-તળપદમાં બોગસ ક્લીનીકનો ભાંડો ફોડાયો!
આણંદ પાસેના નાપાડ-તળપદમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી 25 મીટરના અંતરે ચાલતા બોગસ ક્લીનીકમાંથી પોલીસે ડમી તબીબને દબોચી લીધો હતો. બીએચએમએસની ડિગ્રી ધરાવતી તેની પત્નીના નામે ક્લીનીક શરૂ કરી તે એલોપેથીની સારવાર કરતો હતો. નોંધનીય છે કે, છેલ્લાં પાંચ દિવસમાં ડમી ડોક્ટરનો આ ત્રીજો બનાવ નોંધાયો છે.
આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, નાપાડ તળપદ સ્થિત ખ્વાજા પાર્ક પાસે રહેતો સંજય રાઠોડ નામનો શખસ પીએચસી કેન્દ્રથી 25 મીટર દૂર ક્લીનીક ચલાવી તબીબની પ્રેક્ટીસ કરતો હોવાની ચોક્કસ બાતમી આણંદ એસઓજીના પોલીસકર્મી ભાવિક પટેલ અને જગદિશને મળી હતી. જેને પગલે પોલીસે શુક્રવારે બપોરે ટીમ સાથે દરોડો પાડ્યો હતો. જેમાં શખસ રંગેહાથ ઝડપાઈ ગયો હતો. પોલીસે તેને સાથે રાખીને તપાસ કરતા ક્લીનીકમાં સાતેક જેટલાં બેડ મળી આવ્યા હતા. ક્લીનીક પર તેનું તેમજ તેના પત્નીનું નામ લખેલું હતું. તેના પત્ની બીએચએમએસની ડિગ્રી ધરાવે છે. અને તેઓ આણંદની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પત્નીના નામે ખોલેલા ક્લીનીકમાં સમગ્ર દિવસ દરમિયાન શખસ જ બેસેતો હતો અને એલોપેથી સહિતની સારવાર કરતો હતો. એ પછી સાંજે તેની પત્ની આવે ત્યારે તે ક્લીનીક પર બેસતી હતી. પોલીસે આરોગ્ય વિભાગની ટીમ સાથે રહીને દરોડો પાડ્યો ત્યારે શખસ ક્લીનીકમાં હાજર હતો. આ ઉપરાંત ક્લીનીકમાંથી એલોપેથીક દવા, ઈન્જેકશન સહિતની સાધન સામગ્રી, મોબાઈલ સહિત કુલ રૂપિયા 50 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. નોંધનીય છે કે, આણંદ જિલ્લામાં ડમી તબીબનો રાફડો ફાટ્યો છે. છેલ્લાં પાંચ દિવસમાં ત્રીજો બનાવ નોંધાયો હતો.