આણંદ ગ્રીડ પાસેનો આઇકોનિક રોડ નવેસરથી બનાવવાનું શરૂ
આણંદ મનપા વિસ્તારમાં આવેલા ભાલેજ ઓવરબ્રિજ થી ગ્રીડ ચોકડી સુધીનો આઇકોની માર્ગ જૂન માસમાં બનાવ્યો હતો. ભારે વરસાદમાં ધોવાઇ જતાં બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયો હતો. આખરે મનપાએ ઇજારેદારને નવો માર્ગ બનાવવાની સુચના આપી હતી. જેથી ઇજારેદાર દ્વારા સ્વખર્ચે નવો માર્ગ બનાવવાની કામગીરી હાથ ધરી છે.
કરમસદ આણંદ મહાનગરપાલિકા ના રોડ વિભાગ દ્વારા દ્વારા ભાલેજ રોડ ઓવરબ્રિજ થી ગ્રીડ ચોકડી સુધીના 1.5 કિલોમીટર સુધીના નુકસાન પામેલ આઇકોનિક રોડ ને ઇજારદાર ના સ્વખર્ચે નવેસર થી રોડ બનાવવા જણાવવામાં આવ્યું છે, જે અંતર્ગત ભાલેજ રોડ બ્રિજ થી મહેન્દ્ર શાહ ચોકડી સુધીના સૌથી વધારે નુકશાની થયેલ ભાગમાં ઇજારદાર દ્વારા મીલર મશીન થી જૂનો તમામ ભાગ કટ કરી ત્યારબાદ તેના પર નવેસરથી રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વરસાદે વિરામ લેતા આ રોડ ટૂંક સમયમાં નવેસર થી બની જવાના કારણે નગરજનો ને પડતી અગવડતા તથા સમસ્યા નો અંત આવશે, તેમ મહાનગરપાલિકાના સીટી ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે.