આણંદ ગ્રીડ ચોકડી પાસે આંધ્રના 5 પોલીસકર્મીઓ પર સ્થાનિકોનો હુમલો
આણંદ શહેરની ગ્રીડ ચોકડી પાસે મંગળવારે સાંજે એક ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં સ્થાનિક પોલીસની મદદ વિના ચોરીના ગુનામાં તપાસ માટે ગયેલી આંધ્રપ્રદેશની ટીમને સ્થાનિકોએ ઉઠાવગીર ટોળકી હોવાનું માનીને માર માર્યો હતો. જેમાં પાંચ પોલીસ પૈકી એકને ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે ચારને નહીંવત ઈજા પહોંચી હતી. જોકે, સમગ્ર બનાવની પોલીસ ચોપડે નોંધી નથી થઈ પરંતુ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.
આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ શહેરમાં ગ્રીડ ચોકડી પાસે એક મહિલાની 2 કિલો સોનાની ચોરીમાં સંડોવાણી બાબતને લઈને મહિલા આરોપીને પકડવા આંધ્રપ્રદેશ પોલીસ આણંદ ખાતે આવી હતી. આંધ્રપ્રદેશની ટીમ દ્વારા સ્થાનિક પોલીસની મદદ વિના જ સ્થળ પર પહોંચી ગઈ હતી.
વધુમાં તેઓ રિક્ષામાં મહિલા આરોપીને લઈ જતા હતા એ સમયે સ્થાનિક લોકોને તેઓ ઉઠાવગીર ટોળકી હોવાનું લાગ્યું હતું. જેને પગલે તેમને ગ્રીડ ચોકડી પાસે અટકાવ્યા હતા અને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. આ બનાવને પગલે આસપાસના ટોળાં એકઠાં થઈ ગયા હતા અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. બનાવમાં પાંચ પૈકી ચારને નહીંવત જ્યારે એક પોલીસકર્મીને ગંભીર ઈજા પહોંચી હતી. જેમને તાત્કાિલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
આ અંગે વાત કરતા પીઆઈ વિજયસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, પોલીસની ટીમ જ હતી અને તેઓ તપાસ અર્થે આવ્યા હતા. પરંતુ ગેરસમજણને કારણે સમગ્ર હોબાળો થયો હતો. તેઓને હિન્દી કે ગુજરાતી ભાષા આવડતી નહોતી. બીજી તરફ મહિલા પોલીસકર્મી દ્વારા જે મહિલાને લાવવાની હતી તેને બદલે બીજી કોઈ મહિલાને લઈ આવ્યા હતા. આમ, ગેરસમજણને લઈને સમગ્ર મામલે હોબાળો મચ્યો હતો. હાલમાં ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓને સારવાર આપ્યા બાદ તેઓ આરોપીને લઈને રવાના થયા છે, એમ પીઆઈ ઝાલાએ વધુમાં ઉમેર્યું હતું.