આણંદ કૃષિ યુનિવર્સિટીનો 22મો પદવીદાન સમારોહ યોજાયો
આણંદ કૃષિ યુનિવર્સિટીનો 22મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને પદ્મશ્રી ડો. જે.એમ. વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં કુલ 589 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી, જેમાં 387 સ્નાતક અને 202 અનુસ્નાતક વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, શ્રેષ્ઠ શિક્ષક અને શ્રેષ્ઠ સંશોધન કરનારને એવોર્ડ્સ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ્સ અને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કુલ 13 ગોલ્ડ મેડલ્સ, 77 ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ્સ, 6 કેશ પ્રાઇઝ, પ્રત્યેક ફેકલ્ટી માટે 3 ચાન્સલર ગોલ્ડ અને 5 વાઇસ ચાન્સલર ગોલ્ડ મેડલ્સ એનાયત કરાયા હતા.
દિક્ષાંત સમારોહના પ્રારંભે રાજ્યપાલએ યુનિવર્સિટી પરિસરમાં રૂપિયા 4.07 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સેન્ટર ફોર પ્રિસિઝન ફાર્મિંગ સિસ્ટમ, રૂપિયા 4.10 કરોડના ખર્ચે બનેલ ડિપાર્ટમેન્ટ ઓફ બેઝિક સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝ વિભાગનું નવું બિલ્ડિંગ અને સેન્ટર ફોર ક્લાઇમેટ સ્માર્ટ માઇક્રોબિયલ ટેકનોલોજી એન્ડ જીએચજી મોનિટરિંગના નવા બિલ્ડિંગનું ઉદ્દઘાટન કર્યું હતું.
રાજ્યપાલે આણંદ કૃષિ યુનિવર્સિટી તથા આત્માના સહયોગથી બોરસદ ચોકડી સ્થિત કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્રના પ્રાંગણમાં પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ કેન્દ્રનું પણ ઉદ્દઘાટન કર્યું. તેમણે પ્રાકૃતિક ખેત પેદાશો વેચવા આવેલા ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. સમારંભના અંતે, રાજ્યપાલએ યુનિવર્સિટીના એગ્રોનોમી ફાર્મની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેતર કરાયેલા વિવિધ પાકો વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી.
આ પ્રસંગે રાજ્યપાલએ યુવા સ્નાતકોને રાસાયણિક ખેતીનો પ્રચાર ન કરવા, પરંતુ પ્રાકૃતિક ખેતી પર સંશોધન કરીને સત્યને જાણીને આગળ વધવા અપીલ કરી હતી. તેમણે પ્રાકૃતિક ખેતીને માનવતાની સૌથી મોટી સેવા ગણાવી, જે પર્યાવરણ, પાણી, ધરતી માતા, ગૌ માતા, લોકોનું સ્વાસ્થ્ય અને ખેડૂતની આવક જેવા અનેક કાર્યો એકસાથે કરે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આણંદ કૃષિ યુનિવર્સિટી આ મિશનમાં દેશનું નેતૃત્વ કરશે અને સૌને 'રાષ્ટ્ર પ્રથમ'ના ભાવ સાથે રિસર્ચ અને ઇનોવેશન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
માતા-પિતા અને શિક્ષકોના સપોર્ટથી 14 મેડલ મળ્યાંઃ નિયતી 14 મેડલ મેળવનાર વિદ્યાર્થીની નિયતી પંચાલ સૌપ્રથમ ભગવાન અને ત્યારબાદ માતા-પિતા અને શિક્ષકોનો આભાર માનતા જણાવે છે કે, માતા-પિતા અને શિક્ષકોના સપોર્ટથી આજે મને 14 મેડલ મળ્યાં છે. હજુ જર્ની ઘણી બધી બાકી છે.