આણંદ કલેક્ટર લોટેશ્વર તળાવ અને ઓમકારેશ્વર બાગની મુલાકાત
આણંદ જિલ્લા કલેક્ટર અને કરમસદ-આણંદ મહાનગરપાલિકાના વહીવટદાર પ્રવીણ ચૌધરીએ શહેરના લોટેશ્વર તળાવ અને કરમસદ સ્થિત ઓમકારેશ્વર બાગની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને મળતી પાયાની સુવિધાઓ અને જાહેર સ્થળોની જાળવણીની સ્થિતિની વ્યક્તિગત સમીક્ષા કરવાનો હતો.
લોટેશ્વર તળાવના નવીનીકરણ અને જાળવણી અંગે કલેક્ટરે મહાનગરપાલિકાની ટીમને સૂચના આપી હતી. તેમણે તળાવની આસપાસના વિસ્તારમાં જરૂરી સાફ-સફાઈ રાખવા અને નાગરિકોની સુરક્ષા માટે ફૂટપાથ પર પૂરતું લાઈટિંગ લગાવવા જણાવ્યું હતું.
ઓમકારેશ્વર બાગની મુલાકાત દરમિયાન, કલેક્ટર પ્રવીણ ચૌધરીએ વરિષ્ઠ નાગરિકો અને રમી રહેલા બાળકો સાથે વાતચીત કરી હતી. તેમણે બાગની જાળવણી, પીવાના પાણીની સુવિધા અને સ્વચ્છતા અંગે લોકોના પ્રતિભાવો મેળવ્યા હતા. કલેક્ટરે બાગમાં થયેલી કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો અને ટીમને અભિનંદન પાઠવ્યા.
પીવાના પાણીની સુવિધાના નિરીક્ષણ દરમિયાન, કલેક્ટરે બાગમાં સ્થાપિત વોટર એટીએમમાંથી જાતે પાણી પીને તેની ગુણવત્તા અને શુદ્ધતા ચકાસી હતી. તેમણે અધિકારીઓને નાગરિકોને હંમેશા શુદ્ધ અને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી મળે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. આ મુલાકાત સમયે મહાનગરપાલિકાના નાયબ કમિશનર નિલાક્ષ મકવાણા, એસ.કે. ગરવાલ, સીટી ઇજનેર જીગર પટેલ સહિત મનપાના અધિકારીઓ અને સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.