આણંદ કલેક્ટર કચેરીમાં જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ પૂર્ણ
આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોનું ઝડપી નિવારણ કરવાનો છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોની ફરિયાદો પ્રત્યે વહીવટી તંત્ર દ્વારા હકારાત્મક અભિગમ અપનાવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં કુલ 6 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કલેક્ટરે સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી જાણકારી મેળવી અને અરજદારો સાથે ચર્ચા કરી હતી. આ પૈકી 5 પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું, જ્યારે એક પ્રશ્ન પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો.
રજૂ કરાયેલા પ્રશ્નોમાં પ્રાથમિક શાળા નજીકથી પાનનો ગલ્લો હટાવવા, જાહેર રસ્તો ખુલ્લો કરવા, રસ્તા પરથી ફેન્સિંગ હટાવવા, માપણીની ખરાઈ સંબંધિત રજૂઆત, વેચાણ દસ્તાવેજની નોંધ સામે તકરારી કેસ અને જાહેર રોડ પરના દબાણો દૂર કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ થતો હતો.
આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક, નિવાસી અધિક કલેક્ટર અને સંલગ્ન વિભાગના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.