આણંદ કલેક્ટર ઓફિસમાં PMFME યોજનાની જિલ્લા બેઠક યોજાઈ
આણંદ કલેક્ટર કચેરી ખાતે Ministry of Food Processing Industries (MOFPI) અંતર્ગત ચાલતી પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ (PMFME) યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં આણંદ જિલ્લાના 7 પ્રોજેક્ટને મંજૂર કરવામાં આવ્યા હતા.
આ પ્રોજેક્ટ્સમાં રાઇસ મિલ, મિલેટ બેઝ પ્રોડક્ટ, બેકરી પ્રોડક્ટ, એનિમલ ફીડ તથા મસાલા જેવા વિવિધ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. કુલ રૂ. 164.13 લાખના યુનિટ કોસ્ટ ધરાવતા આ પ્રોજેક્ટ્સને રૂ. 53.11 લાખની સબસિડી મંજૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ તમામ લાભાર્થીઓ તેમજ આણંદ જિલ્લામાં ફૂડ પ્રોસેસિંગ કરતા અથવા કરવા માંગતા લાભાર્થીઓને આ યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ યોજના અંગે નાયબ બાગાયત નિયામકે જણાવ્યું હતું કે, તેમાં અનાજ પ્રોસેસિંગ (ઘઉં, ચોખા, કઠોળ, જુવાર, મકાઈ વગેરે), ડેરી પ્રોસેસિંગ, ફળો અને શાકભાજી પ્રોસેસિંગ, બેકરી અને મિષ્ઠાન ઉત્પાદનો, મસાલા અને રોપણી પાક પ્રોસેસિંગ, ચરબી અને તેલબીયા પ્રોસેસિંગ, માંસ અને મરીન ઉત્પાદનો પ્રોસેસિંગ, પશુ દાણ, મરઘા દાણ અને લઘુવન ઉત્પન્ન જેવા તમામ એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સનો સમાવેશ થાય છે.
આ યોજનામાં 35 ટકા અથવા વધુમાં વધુ રૂ. 10 લાખ સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. યોજનાનો લાભ લેવા માંગતા અને વધુ જાણકારી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, જૂનું જિલ્લા સેવા સદન, ચોથો માળ, રૂમ નંબર 427 થી 429, આણંદનો રૂબરૂ સંપર્ક કરવા અથવા ફોન નંબર 02692 262023 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. આ બેઠકમાં જિલ્લા કક્ષાની સમિતિના સભ્યો, જિલ્લા ખેતીવાડી અધિકારી, લીડ બેંક મેનેજર, નાબાર્ડના મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ હાજર રહ્યા હતા.