આણંદ અમૂલ ડેરીના બાયોગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટથી નાસભાગઃ 7 કામદારો ઈજાગ્રસ્ત
આણંદ : વિશ્વવિખ્યાત આણંદની અમૂલ ડેરીમાં પાછળના ભાગે આવેલા બાયોગેસ પ્લાન્ટમાં આજે સાંજના સુમારે અચાનક બ્લાસ્ટ થતા સાત વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. અમુલ ડેરીના બાયોગેસ પ્લાન્ટમાં આજે સમી સાંજના સુમારે એક દુર્ઘટના બની હતી. અમૂલ ડેરીમાં પાછળના ભાગે આવેલા બાયોગેસ પ્લાન્ટના અચાનક બ્લાસ્ટ થતા પ્લાન્ટમાં હાજર કામદારો સહિતના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.
અમૂલના બાયોગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટ થતા સાત જેટલા કામદારો ગંભીર રીતે દાઝી જતા તેઓને સારવાર અર્થે સૌપ્રથમ આણંદની જનરલ હોસ્પિટલમાં લઈ ગયા બાદ વધુ સારવાર અર્થે કરમસદ ખાતેની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઇજાગ્રસ્તોના પરિવારજનોને આ ઘટનાની જાણ થતા તેઓ તુરંત જ કરમસદની હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.
જ્યાં પરિવારજનોએ ભારે આક્રંદ કર્યું હતું. બીજી તરફ આ ઘટનાને લઇ અમૂલ ડેરીના એમડી સહિતના અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.આ અંગે આણંદના પ્રાંત અધિકારી મયુર પરમારે જણાવ્યું હતું કે, અમૂલ ડેરીમાં પાછળના ભાગે આવેલા બાયોગેસ પ્લાન્ટમાં આઉટસોસગના કર્મચારીઓ દ્વારા વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી. ત્યારે લીકેજ થવાના કારણે બ્લાસ્ટ થયો હતો. જેમાં સાત વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજા ગ્રસ્તોને કરમસદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
વેલ્ડિંગ કામગીરી વખતે સામાન્ય ઘટના બની : અમૂલ
આણંદ અમૂલ ડેરી પ્લાન્ટ ખાતે ઈફ્લુન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ઈટીપી) પર સુઆયોજિત પ્રીવેન્ટિવ મેન્ટેનન્સનું કામ કરતી વખતે વેલ્ડિંગ કામગીરી દરમિયાન સામાન્ય ઘટના બની હતી. કોન્ટ્રાક્ટ એજન્સીના ૭ ઈજાગ્રસ્તોને સારી સારવાર મળે તે નિશ્ચિત કર્યું છે.તેવું અમુલની યાદીમાં જણાવાયું છે. ઈજાગ્રસ્તોને બનતી બધી મદદ કરવા નિર્દેશન આપ્યા છે.
ઇજાગ્રસ્તોના નામ
અશોકભાઈ પરમાર (ઉં.વ.૪૧)
કમલેશભાઈ પરમાર (ઉં.વ.૩૯
હર્ષ હરીશભાઈ (ઉં.વ.૩૦)
શૈલેષ પરમાર (ઉં.વ.૨૯)
જયેશભાઈ વાઘેલા (ઉં.વ.૨૬)
યોગેશભાઈ વાઘેલા (ઉં.વ.૩૨)
રાહુલ શર્મા