Advertisement

આણંદ ખાતે જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ

આણંદ ખાતે જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ

પરીક્ષાને ગેરરીતિમુક્ત અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ


આણંદ જિલ્લામાં કુલ ૫૦,૯૬૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે


               ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬ની પરીક્ષાઓના સુચારુ સંચાલન માટે આજે આણંદ કલેક્ટર કચેરી ખાતે સ્થાયી પરીક્ષા સમિતિની એક બેઠક યોજાઈ હતી.


               બેઠકમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પરીક્ષા કેન્દ્રો પર સતત વીજ પુરવઠો જળવાઈ રહે, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પૂરતો પોલીસ બંદોબસ્ત મળી રહે તેમજ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને અવરજવર માટે એસ.ટી. બસોની પૂરતી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.


              ઉલ્લેખનીય છે કે આગામી બોર્ડની પરીક્ષામાં આણંદ જિલ્લાના વિદ્યાર્થીઓની સંખ્યા જોઇએ તો ધોરણ ૧૦ ના કુલ ૩૧,૯૧૪ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૧૪,૮૯૩ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના ૪,૧૫૯ વિદ્યાર્થીઓ મળીને કુલ ૫૦,૯૬૬ વિદ્યાર્થીઓ પરીક્ષામાં આપશે. જેને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાને ગેરરીતિમુક્ત અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.


                આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજેન્સીના નિયામક જે.વી. દેસાઈ, નાયબ જિલ્લા પોલિસ અધિક્ષક જે એન પંચાલ, જિલ્લા શિક્ષણાધિકારી હેમંત કાછિયા પટેલ સહિત જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિના સભ્યઓ અને સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement