આણંદ જિલ્લાના કલેક્ટર પ્રવીણ ચૌધરીને રાજ્યના ‘શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. તેમની સાથે ખંભાતના પ્રાંત અધિકારી કુંજલ શાહને ‘શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી’નો એવોર્ડ એનાયત થયો છે.
આ સન્માન ગાંધીનગર ખાતે સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA) માં આયોજિત 16માં રાષ્ટ્રીય મતદાતા મહોત્સવ દરમિયાન કરાયું હતું. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે કલેક્ટર પ્રવીણ ચૌધરી અને પ્રાંત અધિકારી કુંજલ શાહને આ એવોર્ડ એનાયત કરાયા હતા.
રાજ્યના તમામ જિલ્લાઓમાંથી ‘બેસ્ટ ઇલેક્ટોરલ પ્રેક્ટિસિસ એવોર્ડ-2025’ માટે નામાંકનો મંગાવવામાં આવ્યા હતા. રાજ્ય કક્ષાની સમિતિએ આ નામાંકનોમાંથી બંને અધિકારીઓની પસંદગી કરી હતી. આ સિદ્ધિ અંગે કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ સફળતાનો શ્રેય BLO (બૂથ લેવલ ઓફિસર) અને સમગ્ર ચૂંટણી ટીમની નિષ્ઠાપૂર્વકની મહેનતને જાય છે. પ્રાંત અધિકારી કુંજલ શાહે પણ તેમની ખંભાતની ટીમને આ યશ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 25મી જાન્યુઆરીને સમગ્ર દેશમાં ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આ જ અવસરે ચૂંટણીલક્ષી કામગીરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર અધિકારીઓને બિરદાવવામાં આવે છે.