આણંદમાં સ્વદેશી મેળાનો ભવ્ય શુભારંભ: નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ પદાધિકારીઓ સાથે સ્વદેશી વસ્તુઓ ખરીદી
આણંદના વિદ્યાનગર રોડ પર આવેલા વૃંદાવન ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળાનો શુભારંભ થયો છે. શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ આ મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સ્વદેશી મેળામાં કુલ 100 જેટલા સ્વદેશી ચીજવસ્તુઓના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. આ પૈકી 15 સ્ટોલ જિલ્લાની સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા સંચાલિત છે, જે સ્થાનિક ઉત્પાદનો પ્રદર્શિત કરે છે.
મેળાના ઉદ્ઘાટન પ્રસંગે, નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી સહિતના પદાધિકારીઓએ સ્વદેશી બનાવટની વસ્તુઓની ખરીદી કરી હતી. આ ખરીદી દ્વારા તેમણે આણંદ જિલ્લાના નાગરિકોને સ્વદેશી ઉત્પાદનો અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત 'મેક ઇન ઇન્ડિયા', 'વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ' અને 'આત્મનિર્ભર ભારત'ના વિઝનથી પ્રેરિત થઈને આ સ્વદેશી મેળો સ્થાનિક ઉત્પાદનો અને સેવાઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડે છે. તેમણે દિવાળીના દિવસો દરમિયાન આ 100 સ્ટોલ પરથી સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદીને સામાન્ય જનજીવનનું ધોરણ ઊંચું લાવવામાં મદદરૂપ થવાની અપીલ કરી હતી.
આ શુભારંભ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ. કે. ગરવાલ, સ્વ-સહાય જૂથની બહેનો, સ્વદેશી સ્ટોલ ધારકો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.