આણંદમાં પ્રમુખસ્વામીની 104મી જયંતિ: BAPS રજત જયંતિ મહોત્સવમાં 15 હજાર ભક્તો ઉમટ્યા
પ્રમુખસ્વામી મહારાજનો 104મો જન્મ જયંતિ મહોત્સવ અને આણંદ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો રજત જયંતિ મહોત્સવ અક્ષરફાર્મ ખાતે ભવ્યતાપૂર્વક ઉજવાયો. આ પ્રસંગે દેશ-વિદેશથી 15 હજારથી વધુ હરિભક્તો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
વર્ષ 2000માં પ્રમુખસ્વામી મહારાજે આણંદ નગરને શિખરબદ્ધ મંદિર અર્પણ કર્યું હતું. આ મંદિરને 25 વર્ષ પૂર્ણ થતાં, વર્ષ 2025ને 'આણંદ મંદિર રજત જયંતિ' વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
મંદિરના ગૌરવપૂર્ણ યોગદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. મુખ્ય ઉજવણીના ભાગરૂપે 22 થી 28 નવેમ્બર દરમિયાન વિવિધ કાર્યક્રમો સંપન્ન થયા, જેનો આજે મુખ્ય ઉજવણી દિન હતો.
અક્ષરફાર્મમાં યોજાયેલી આ મુખ્ય સભામાં દિવ્ય વાતાવરણ છવાયું હતું. સભાની શરૂઆત સાળંગપુરના સંગીતજ્ઞ સંતો અને યુવાવૃંદ દ્વારા પ્રસ્તુત ધૂન અને પ્રાર્થનાથી કરવામાં આવી. પ્રવક્તા વેદમનન સ્વામીએ ઉત્સવની પૂર્વભૂમિકા રજૂ કરી. ત્યારબાદ આણંદ વિદ્યાનગરના યુવાવૃંદ દ્વારા 'આજ મારે ઘેર થાય લીલા લહેર' શીર્ષક હેઠળ સ્વાગત નૃત્ય પ્રસ્તુત થયું હતું.
અનુભવી અને વરિષ્ઠ સંતોના વક્તવ્યોની શૃંખલા શરૂ થઈ. આ વક્તવ્યોમાં શાસ્ત્રોના વચનો સાથે પ્રમુખસ્વામી મહારાજના જીવનને વધાવવામાં આવ્યું. ઉપસ્થિત સૌએ તેમનામાં આત્મનિષ્ઠા, ધર્મનિષ્ઠા, ભક્તિનિષ્ઠા, સ્થિતપ્રજ્ઞતા, આત્મીયતા, સમર્પણભાવ અને દેહાતીત સ્થિતિના દર્શન કર્યા હતા.
સંતોએ ભારપૂર્વક જણાવ્યું કે એ જ પ્રમુખસ્વામી મહારાજ આજે મહંતસ્વામી મહારાજ રૂપે કાર્ય કરી રહ્યા છે અને ભગવાન સ્વામિનારાયણ અક્ષરબ્રહ્મ ગુરુપરંપરા દ્વારા સદૈવ પ્રગટ જ છે. આ મુદ્દો પ્રત્યેક વક્તવ્ય દ્વારા રજૂ થતો રહ્યો, જેની સાથે પ્રસંગોપાત્ત નૃત્યોની સંગત પણ ભળી.
આજના કાર્યક્રમમાં વિદ્વાન અને વરિષ્ઠ સંતો આનંદસ્વરૂપ સ્વામી અને આત્મસ્વરૂપ સ્વામીના વક્તવ્યો રજૂ થયા. આ પ્રસંગે સ્વામીબાપાને ભાવવંદના કરવા પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે સ્વામીબાપા સાથેના સંસ્મરણો રજૂ કર્યા હતા. આ ઉપરાંત, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ અને એન.ડી.ડી.બી.ના ચેરમેન મિનેશ શાહ પણ આ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.
અંતે સૌનાં હૈયે ઊછળતી ઊર્મિઓ કલાત્મક પુષ્પહારો અને પુષ્પાંજલિથી સ્વામીબાપાનાં ચરણોમાં વહી રહી. આજના પ્રસંગે સદગુરુ સંતવર્ય ત્યાગવલ્લભ સ્વામીના દર્શન આશીર્વાદ પણ પ્રાપ્ત થયા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કોઠારી યજ્ઞસેતુ સ્વામી, વરિષ્ઠ સંત ભગવદચરણ સ્વામી સાથે સૌ સંતો, અગ્રેસરો, કાર્યકરો અને સ્વયંસેવકોએ અત્યંત ખંત અને આયોજનબદ્ધ સેવા કરીને ઇષ્ટદેવ અને ગુરુનો રાજીપો પ્રાપ્ત કર્યો હતો. આજે આણંદ ઉપરાંત સમગ્ર ચરોતર તેમજ દેશ-પરદેશથી 15 હજાર કરતાં વધારે હરિભક્તો-ભાવિકો પધાર્યા હતા. સૌ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.