આણંદમાં ચોકલેટ ચોરીનો આરોપ મુકીને સિક્યોરીટી ગાર્ડ અને તેની પત્નીને માર માર્યો
આણંદ શહેરમાં આવેલી ગણેશ ચોકડી પાસેની સિક્યોરીટી ઓફિસમાં ચોકલેટ ચોરીના આરોપમાં મોગર બાલ અમૂલથી સિક્યોરીટી મેનને લાવીને મહિલા સહિત ત્રણ શખસોએ પ્લાસ્ટીકના દંડા તેમજ લાતોથી બેરહેમીપૂર્વક માર માર્યો હતો. છોડાવવા પડેલી યુવકની પત્નીને પણ તેમણે થપ્પડો મારી દીધી હતી.
નાપા તળપદ ખાતે પ્રવિણસિંહ સાહેબસિંહ જાદવ રહે છે. તેઓ આણંદની કુમાર લેબર એન્ડ મેઈન પાવર સપ્લાય નામની સિક્યોરીટી એજન્સીમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ગત 30મી નવેમ્બરના રોજ તેઓ મોગર સ્થિત બાલઅમૂલ ખાતેના મેઈન ગેટ પર ફરજ પર હાજર હતા. દરમિયાન, રાત્રિના દસેક વાગ્યાની આસપાસ ફિલ્ડ ઓફિસર ભાવેશ કાનજી રોહિત અને સુપરવાઈઝર મનોજ ધારીયા સાથે બાઈક પર આવ્યા હતા. તેમણે તેને બાઈક પર બેસાડીને આણંદ ગણેશ ચોકડી પાસે આવેલી ઓફિસે લાવ્યા હતા. જ્યાં તેને પાછળની રૂમમાં લઈ જઈને ચોકલેટ ચોરીનો આરોપ મુકીને પ્લાસ્ટીકના દંડાથી માર માર્યો હતો. રજની ઉર્ફે પમ્પપમ્પે લાતોથી માર માર્યો હતો. એ પછી પુન: તેને બાલઅમૂલ પ્લાન્ટ પર મુકી ગયા હતા. સવારે સાત વાગ્યે તેઓ ગણેશ ચોકડી સ્થિત ઓફિસે રજૂઆત કરવા ગયા હતા. એ સમયે યુવકની પત્ની પણ હતી. બંને રજૂઆત કરવા ગયા ત્યારે ત્યાં હાજર એક્તા મેડમ નામની યુવતીએ પણ યુવકની પત્નીને માર માર્યો હતો. આ સમગ્ર મામલે તેમણે આણંદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી
સિક્યોરીટી કંપનીઓ કર્મીઓના એટીએમ રાખી શોષણ કરતા હોય છે
આણંદ શહેરમાં મોટી-મોટી સંસ્થાઓમાં જાણીતી સિક્યોરીટી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપેલા હોય છે. આ સિક્યોરીટી કંપનીમાં અનેક કર્મીઓ નોકરી કરતા હોય છે. જોકે, સિક્યોરીટી કંપનીઓમાં કામ કરતા આ કર્મીઓનું ભવિષ્ય જ સિક્યોર નથી હોતું. તેમને 12થી 15 હજારના પગાર પર રાખવામાં આવે છે, પરંતુ તેમને 8થી 10 હજાર પગાર ચૂકવાય છે. કેટલીક એજન્સીઓના સંચાલકો તમામ કર્મીઓના પગાર બેંકમાં કરે છે, પરંતુ તે બેન્કના એટીએમ પોતાની પાસે રાખીને ઉપરનો પગાર જાતે જ ઉપાડી લેતા હોય છે. ક્યારેક ડબલ શિફ્ટમાં પણ નોકરી કરાવીને તેમની આર્થિક અને શારીરિક એમ બંને પ્રકારે શોષણ કરતા હોય છે. આમ, આવી એજન્સીઓ સામે કડક કાર્યવાહી જરૂરી હોવાની માંગ ઉઠી છે.