આણંદના રાહતલાવમાં રહેતા અને છૂટક મજૂરીકામ કરતા યુવકે પત્ની સાથે ઘરકંકાસ થતાં જ સુપર માર્કેટમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો હોવાનો ખોટો ફોન પોલીસ કંટ્રોલમાં કર્યો હતો. કોલ મળતાની સાથે જ પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે, કંઈ વાંધાજનક મળ્યું નહોતું. આ મામલે આણંદ શહેર પોલીસે ખુદ ફરિયાદ બની યુવક વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ભાલેજના રાહતલાવ પાસેનો અને હાલમાં ગામડી મહાલક્ષ્મી પીઠામાં રહેતો ચિરાગ દિલીપ પટેલને ગત 9મીના રોજ તેની પત્ની સાથે બાળકોને ભણાવવા બાબત સહિત ઘરખર્ચ બાબતને લઈને કંકાસ થયો હતો. જોકે, યુવક અકળાઈ ગયો હતો અને તેણે 100 નંબર પર કોલ કરીને આણંદના સુપરમાર્કેટમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો હોવાનો ફોન કર્યો હતો. જોકે, કંટ્રોલમાં ફોન મળતાં જ ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા તુરંત જ બોમ્બ સ્કવોડની ટીમ સહિત સ્થાનિક પોલીસને સાથે રાખીને ઠેર-ઠેર તપાસ કરાઈ હતી. પરંતુ કંઈ વાંધાજનક મળી આવ્યું નહોતું. જેને પગલે તંત્રએ આખરે રાહતનો દમ લીધો હતો. બીજી તરફ પોલીસે કંટ્રોલમાં આવેલા નંબરના આધારે યુવકની ઓળખ કરી તેની તાત્કાલિક ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં સમગ્ર હકીકત જણાવી હતી.