Advertisement

આણંદમાં અંબિકા શો મિલના લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની બે કલાકની જહેમત બાદ કાબુમાં

આણંદમાં અંબિકા શો મિલના લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની બે કલાકની જહેમત બાદ કાબુમાં

આણંદ શહેરના કૈલાશભૂમિની બાજુમાં આવેલ અંબિકા શો મિલના લાકડાના પીઠામાં રાત્રિના સમયે અચાનક પ્રચંડ આગ ફાટી નીકળતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. શો મિલના પીઠામાં મોટી સંખ્યામાં લાકડાનો જથ્થો સંગ્રહિત હોવાથી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.


આગની લપટો અને ધુમાડો જોઈ આજુબાજુના રહીશો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક રીતે આણંદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જાણ મળતાની સાથે જ આણંદ ફાયર બ્રિગેડની ટીમો ફાયર ટેન્ડરો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી.


ફાયર બ્રિગેડની ટીમોએ અંદાજે ૩ હજાર લીટરથી વધુ પાણીનો મારો ચલાવી લગભગ બે કલાકની સતત જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, તેમ આણંદ ફાયર બ્રિગેડ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.


જો કે આગ લાગવાના કારણે લાકડાના મોટા જથ્થાને નુકસાન પહોંચ્યું હોવાનું અનુમાન છે. આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે વિસ્તારમાં થોડો સમય માટે દહેશતનું વાતાવરણ સર્જાયું હતું.

Advertisement