આણંદની RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ, 7 બેઠકો રહેલી ખાલી
રાઇટ ટુ એજયુકેશન (આરટીઇ) અંતર્ગત આણંદ જિલ્લાની ર૧૬ ખાનગી શાળાઓમાં ધો.૧ માટે કુલ ર૩૦ર બેઠકો ફાળવવામાં આવી હતી. જેમાંથી માન્ય અરજીઓ પૈકી પ્રથમ રાઉન્ડમાં રર૯પ વિદ્યાર્થીઓને પ્રવેશની ફાળવણી કરવામાં આવી છે. જયારે ૭ બેઠકો અરજદારોની પસંદગીના અભાવે હાલ ખાલી પડી હોવાનું સામે આવ્યું છે.
પ્રથમ રાઉન્ડની ફાળવણી અંગે વાલીઓને એસએમએસ દ્વારા જાણ કરવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે તેમણે તા. ૮ મે,ર૦રપ સુધીમાં સ્કૂલમાં જઇને પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે. વિદ્યાર્થીઓની શાળા પસંદગી અને ૬ કિ.મી.ની ત્રિજયા વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને આધિન પ્રવેશ ફાળવણી કરવામાં આવ્યાનું વિભાગે જણાવ્યુ ંહતું.
ઉલ્લેખનીય છે કે, આરટીઇ હેઠળ ધો.૧માં પ્રવેશ માટે ગત ર૮ ફેબ્રુ.થી રજીસ્ટ્રેશન શરુ કરાયું હતું. જેમાં વાલીઓને ૧ર માર્ચ સુધીની મુદ્દત આપવામાં આવી હતી. જો કે ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થતા અગાઉ ફોર્મ ચકાસણીની પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. જેથી ૧૩ માર્ચ ફોર્મની ચકાસણી પૂર્ણ કરવામાં આવી હતી. રાજય સરકાર દ્વારા આરટીઇમાં પ્રવેશ માટેની આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં ૧.ર૦ લાખ અને શહેરી વિસ્તારમાં ૧.પ૦ લાખથી વધારીને ૬ લાખ કરી દેવાનો નિર્ણય લીધો હતો. આમ, આવક મર્યાદામાં વધારો કરવામંા આવ્યા બાદ આરટીઇમાં પ્રવેશને લાયક બનતા બાળકોને ફોર્મ ભરવાની તક આપવા મુદ્દતમાં વધારો કરાયો હતો.
કેટેગરી પ્રમાણે પ્રવેશ અંગે જિલ્લામાં વિગતો ન પહોંચી
આરટીઇ હેઠળ ધો.૧માં પ્રવેશ માટે રાજય સરકાર દ્વારા કેટેગરી નકકી કરવામાં આવી હતી. જેમાં અનાથ બાળક, સંરક્ષણની જરુરિયાતવાળું બાળક, બાલગૃહના બાળક, બાળમજૂર-મજૂરના બાળક, દિવ્યાંગ, એન્ટ્રી રેટ્રોવાયરલ સારવાર લેતા બાળક, શહિદ જવાનના બાળક, સિંગલ ગર્લ ચાઇલ્ડ, આંગણવાડીના બાળકો, બીપીએલ, એસસી,એસટી અને ઓબીસી કેટેગરીના બાળકો, જનરલ કેટેગરીના બાળકો નકકી કરવામાં આવ્યા હતા. પરંતુ સમગ્ર પ્રકિયા રાજયસ્તરેનો ઓનલાઇન કરવામાં આવતા આણંદ જિલ્લામાં વિવિધ કેટેગરીમાં કેટલા બાળકોને પ્રવેશ ફાળવાયો તેની વિગતો રાજયસ્તરેથી જિલ્લાકક્ષાએ મોકલવામાં આવી ન હોવાનું જાણવા મળે છે.
આરટીઇ અરજી પ્રકિયા
કુલ આવેલ અરજી- ૭૬પ૯ એપ્રુવલ કરેલ અરજી- પ૦૪૦ ચકાસણી દરમ્યાન રીજેકટ- ૪પ૩ વાલીઓ દ્વારા રદ - ર૧૬૬