આણંદના ગામડીમાં બોગસ ડોક્ટર ઝડપાયો
આણંદના ગામડીમાં એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. આણંદ LCB પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 67 વર્ષીય અરવિંદ પરમારને તેમના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર દવાખાનું ચલાવવા બદલ ઝડપી પાડ્યા છે.
પોલીસને બાતમી મળી હતી કે ગામડીમાં ગાયત્રી મંદિર પાછળ આવેલી અનુરાધા સોસાયટીમાં અરવિંદ પરમાર કોઈ પણ મેડિકલ ડિગ્રી વગર પોતાના ઘરમાં દવાખાનું ચલાવી રહ્યા છે. આથી, પોલીસે ચીખોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી ડો. યોગેશકુમાર પારેખને સાથે રાખીને દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન અરવિંદ પરમાર ઘરમાં હાજર મળ્યા હતા. પોલીસે તેમની પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ રજીસ્ટ્રેશનનું પ્રમાણપત્ર માંગતા, તેમણે તે પોતાની પાસે ન હોવાનું જણાવ્યું હતું. તપાસમાં સામે આવ્યું કે તેઓ છેલ્લા પાંચ વર્ષથી મેડિકલ પ્રેક્ટિસ કરવા સક્ષમ ન હોવા છતાં ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી રહ્યા હતા.
પોલીસે સ્થળ પરથી વિવિધ પ્રકારની દવાઓ, ડોક્ટરની પ્રેક્ટિસ માટેના સાધનસામગ્રી, એક મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 24,247 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા અરવિંદ વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની કલમ 30 અને 35 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.