Advertisement

આણંદના 100 ફૂટ રોડ પર નવજાત ભ્રુણનો મૃતદેહ મળતાં વિસ્તારમાં ફફડાટ

આણંદના 100 ફૂટ રોડ પર નવજાત ભ્રુણનો મૃતદેહ મળતાં વિસ્તારમાં ફફડાટ

આણંદ શહેરના 100 ફૂટ રોડ વિસ્તારમાં આજે સવારના સમયે નવજાત ભ્રુણનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. રસ્તાની બાજુમાં ભ્રુણ પડેલું હોવાનું સ્થાનિકોએ નજરે પડતાં તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી.


માહિતી મળતાં જ આણંદ શહેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં ભ્રુણ ત્યજી દેવાયું છે કે કોઈ પ્રાણી દ્વારા લવાઈને અહીં મૂકાયું છે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી.


પોલીસે ભ્રુણને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ભ્રુણ કેટલા સમયનું હતું, મૃત્યુનું કારણ શું છે અને સમગ્ર ઘટનાની હકીકત શું છે તે અંગે વધુ ખુલાસો થવાની શક્યતા છે.


આ ઘટના સામે આવતા વિસ્તારમાં રહેતા નાગરિકોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ કોઈ શંકાસ્પદ હરકતો અંગે માહિતી મળે તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.


પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને સમગ્ર ઘટનાનું રહસ્ય અકબંધ છે.

Advertisement