આણંદથી બે ચહેરા મંત્રીમંડળમાં: રમણ સોલંકી કેબિનેટ, કમલેશ પટેલ રાજ્યમંત્રી
ગુજરાતના નવા મંત્રીમંડળની આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આણંદ જિલ્લામાંથી બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકી અને પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. અમદાવાદના મહાત્મા મંદિર ખાતે નવનિયુક્ત મંત્રીઓએ શપથ લીધા હતા. આ શપથવિધિમાં બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે, જ્યારે પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. નવા મંત્રીમંડળમાં આણંદ જિલ્લાના બે ધારાસભ્યોનો સમાવેશ થતાં જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી વિશે રમણભાઈ ભીખાભાઈ સોલંકી ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદના રહેવાસી અને મુળ જંત્રાલ ગામ (તા.બોરસદ) ના વતની છે. તેમણે ધોરણ 10 પાસ કર્યા બાદ કૃષિમાં ડિપ્લોમા કર્યું છે. અગાઉ તેઓ શિક્ષક તરીકે ફરજ બજાવતાં હતાં. તેઓ જંત્રાલ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તેમજ આણંદ જીલ્લા પંચાયત સદસ્ય પણ રહી ચૂક્યાં છે.
રમણભાઈ સોલંકી અગાઉ બે વાર અને તેઓના પત્નિ એક વખત બોરસદ બેઠક ઉપરથી ચૂંટણી હાર્યાં હતાં. જોકે, 2022 ની ચૂંટણીમાં રમણભાઈ સોલંકીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને અમૂલ ડેરીના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમારને 11,165 મતોના માર્જિનથી હરાવી, પ્રથમ વખત ધારાસભ્ય બન્યાં હતાં.
આઝાદી બાદ પ્રથમ વખત બોરસદ વિધાનસભા જીતનાર રમણભાઈ સોલંકીને નાયબ મુખ્ય દંડકની જવાબદારી સોંપવામાં આવી હતી. ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડકની જવાબદારી સુવ્યવસ્થિત રીતે નિભાવનાર રમણભાઈ સોલંકીને હવે કેબિનેટ મંત્રી તરીકેનો હોદ્દો મળ્યો છે.
રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ વિશે કમલેશભાઈ પટેલ ગુજરાતના આણંદ જિલ્લાના પેટલાદના વતની છે. તેઓ ભૂતપૂર્વ સરપંચ રમેશભાઈ પટેલના પુત્ર છે. તેઓએ M.Sc B.Ed સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ સરકારી શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ નાનપણથી RSS સાથે જોડાયેલા હતા અને 2022 ની ચૂંટણીમાં તેઓ ભાજપના મેન્ડેડ પર પ્રથમ વખત ચૂંટણી લડ્યા અને 7,954 જેટલા મતોથી જીત મેળવી. આજે તેમને રાજ્યકક્ષાના મંત્રી તરીકેનો હોદ્દો પ્રાપ્ત થયો છે.