Advertisement

આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?

 આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?

નવા વર્ષની શરૂઆતથી જ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે એસટી બસના ભાડામાં 3 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. 10 કિલોમીટરથી 60 કિલોમીટર સુધીની મુસાફરી પર એક રૂપિયો ભાડું વધ્યું હતું. એસટીમાં દરરોજ અવર જવર કરનાર 27 લાખ મુસાફરોને ભાડા વધારાની અસર થશે. ગયા નવ મહિનામાં એસટીએ આ બીજી વાર ભાડામાં વધારો કર્યો છે.  આ મુસાફી ભાડું 3 ટકા સુધી વધશે. જો કે, એસટી નિગમે એવો ખુલાસો કર્યો છે કે, નવ કિલોમીટર સુધીના અંતરના ભાડમાં કોઈ વધારો લાગુ નહીં થાય. જો કે એસ ટી બસમાં ઓછામાં ઓછા 10 કિલોમીટરથી લઈને 60 કિલોમીટરનું અંતરે મુસાફરી કરનારા મુસાફરના માથે એક રૂપિયાનો ભાડા વધારો લદાશે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે અવો પણ દાવો કર્યો છે કે, આ મુસાફરી ભાડામાં 3 ટકાનો વધારો કરવા છતા અન્ય રાજ્યોના માર્ગ પરિવહન વિભાગની સરખામણીએ ગુજરાતના એસટી બસના ભાડા ઓછા છે.

એસટી નિગમે એવો પણ બચાવ કર્યો છે કે, લોકલ સર્વિસોમાં કુલ મુસાફરો પૈકી 85 ટકા મુસાફરો (દરરોજ અંદાજિત 10 લાખ જેટલા) 48 કિ.મી. સુધીની મુસાફરી કરે છે. જેમાં 9 કિ.મી.સુધીના મુસાફરોને કોઈ ભાડા વધારો થશે નહીં, જ્યારે 10 કિ.મી.થી 60 કિ.મી.ના મુસાફરોને 1 રૂપિયાનો ભાડા વધારો આપવો પડશે.

27 લાખ મુસાફરોને થશે અસર

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ 31 ડિસેમ્બર 2025ની મધ્યરાત્રિ એટલે કે 1 જાન્યુઆરી 2026થી 3 ટકા ભાડા વધારાનો અમલ થઈ જશે જેથી 27 લાખ મુસાફરો પર ભાડાનો બોજ વધશે. મુસાફરોને વધુ સારી સેવાઓ પૂરી પાડવાના હેતુથી ભાડામાં વધારો કરવામાં આવ્યો હોય તેવું જણાવવામાં આવ્યું છે.

આ પહેલા 10 ટકા વધ્યું હતું એસટી ભાડું

9 મહિનામાં બીજી વખત ગુજરાત એસટી ભાડામાં વધારો કરવામાં આવ્યો છે, આ પહેલા 28 માર્ચના રોજ 10 ટકાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. આ ભાડા વધારા બાદ પણ અન્ય રાજ્યની એસટી બસના ભાડાની સરખામણીએ ગુજરાત એસ.ટી.નું લોકલ તથા એક્સપ્રેસ બસ ભાડુ ઓછું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેમ કે, લોકલ સર્વિસમાં પ્રતિ કી.મી. ગુજરાત- 0.91, મહારાષ્ટ્ર- 1.68 રૂપિયા, ઉત્તરપ્રદેશ- 1.30 રૂપિયા, મધ્યપ્રદેશ- 1.25 રૂપિયા, આંધ્ર પ્રદેશ- 1.02 રૂપિયા અને રાજસ્થાન- 1.00 રૂપિયા રહે છે. જયારે એક્સપ્રેસ સર્વિસમાં પ્રતિ કી.મી ગુજરાત- 0.97, મહારાષ્ટ્ર- 1.68 રૂપિયા, ઉત્તરપ્રદેશ-1.64 રૂપિયા, મધ્યપ્રદેશ-1.38 રૂપિયા, આંધ્રપ્રદેશ-1.25રૂપિયા અને રાજસ્થાન-1.10 રૂપિયા રહે છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે એવી પણ જાહેરાત કરી છે કે, ભવિષ્યમાં વધુ બસ પોર્ટ મુસાફરોની સુવિધા માટે તૈયાર કરવામાં આવશે. તે સિવાય  વર્ષ 2025-26ના બજેટમાંથી આગામી વર્ષમાં 2060 નવી બસો ખરીદવામાં આવશે. 

Advertisement