આગામી મહાશિવરાત્રી નિમિત્તે યોજાનારી “શિવજી કી સવારી” યાત્રા તેમજ પવિત્ર રમજાન માસના તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે બોરસદ શહેરમાં પોલીસ તંત્ર સજ્જ બન્યું છે.
બોરસદ પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો, ધાર્મિક સ્થળો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓ અને સ્ટાફે બજાર વિસ્તાર, યાત્રા માર્ગ તથા મસ્જિદ આસપાસ ચેકિંગ કરીને લોકોમાં કાયદો અને વ્યવસ્થાની જાગૃતિ ફેલાવી હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને સમુદાયના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની અફવા અથવા ગેરસમજ ફેલાય નહીં તે માટે સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે.
બોરસદ પોલીસએ નાગરિકોને અપીલ કરી છે કે તહેવારો દરમિયાન કાયદાનું પાલન કરે, અફવાઓથી દૂર રહે અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત પોલીસને જાણ કરે.