આંકલાવ: નવાખલની બાળકીનું મૃતદેહ નિઝામપુરા નદીમાંથી મળ્યું
આણંદ : આંકલાવના નવાખલ ગામથી ચાર દિવસ પૂર્વે ગુમ પાંચ વર્ષની બાળાનો મૃતદેહ આજે સિંઘરોટના નિઝામપુરામાંથી પસાર થતી મીની નદીમાંથી મળી આવ્યો હતો. મૃતદેહને પીએમ માટે મોકલી અપાયો છે. ત્યારે રિપોર્ટ બાદ બાળકી સાથે દુષ્કર્મ થયું હતું કે કેમ અને કયા સંજોગોમાં મૃત્યુ થયું તેનું ચોક્કસ માહિતી મળશે.
આંકલાવ તાલુકાના નવાખલ ગામનો અજય પઢીયાર તા. ૩૦મી ઓગસ્ટે પાંચ વર્ષીય બાળકીને મકાઈ લઈ આપવાના બહાને બાઇક ઉપર બેસાડી અપહરણ કરી લઈ ગયો હતો. બીજી તરફ મંદિરે આરતી કરવા માટે ગયેલ પાંચ વર્ષીય બાળકી પરત ન ફરતા પરિવારજનો સહિતના ગ્રામજનોએ શોધખોળ હાથ ધરી હતી. જેમાં અજય પઢીયાર બાળકીને બાઈક ઉપર લઈને જતા સીસીટીવી કેમેરામાં કેદ થતા આંકલાવ પોલીસે તેને ઝડપી પાડી પૂછપરછ કરતા બાળકી ઉપર દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં નિષ્ફળતા મળતા ગળું દબાવી હત્યા કર્યા બાદ લાશને સિંઘરોટ નજીકથી પસાર થતી મીની નદીમાં ફેંકી દીધી હોવાની કબુલાત અજય પઢિયારે કરી હતી. જોકે અજય પઢિયાર વારંવાર નિવેદન બદલતો હોવાથી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ હતી.
એસડીઆરએફની ટીમો સહિત સ્થાનિક તરવૈયાઓ દ્વારા સિંઘરોટ નજીકથી પસાર થતી મીની નદીમાં ચાર દિવસથી શોધખોળ કરાઈ રહી હતી. ત્યારે આજે સિંઘરોટના નિઝામપુરા વિસ્તારમાંથી પસાર થતી મીની નદીમાં મૃતદેહ મળતા આંકલાવ અને વડોદરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ અંગે બાળકીના પરિવારજનોને જાણ થતા પરિવારજનો તથા ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે કરમસદની હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બાળકી સાથે દુષ્કર્મ થયું કે કેમ અને કયા સંજોગોમાં બાળકીનું મૃત્યુ થયું તે અંગે ચોક્કસ માહિતી પ્રાપ્ત થશે તેમ પોલીસ દ્વારા જણાવાયુ હતું.