ખેડા જિલ્લામાં અર્બન ગુજરાત દ્વારા કરવામાં આવેલા અહેવાલની વધુ એક વખત સ્પષ્ટ અસર જોવા મળી છે. કપડવંજ શહેરમાં મહોર નદી ઉપર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ બ્રિજ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
કપડવંજ કોર્ટ સામે આવેલા વિસ્તારમાં ભુમાફિયાઓ દ્વારા સિમેન્ટના ભૂંગળા નાખી મહોર નદીનું વહેણ અટકાવવામાં આવ્યું હતું અને ગેરકાયદેસર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ કારણે નદીના કુદરતી વહેણમાં અવરોધ ઉભો થયો હતો તેમજ પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચવાની શક્યતા હતી.
મામલો પ્રકાશમાં આવતા કપડવંજ તંત્ર તથા સિંચાઈ વિભાગ દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્રએ સ્થળ પર પહોંચીને ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ બ્રિજ તોડી પાડ્યો હતો તેમજ નદીના વહેણને ફરીથી ખુલ્લું કરવામાં આવ્યું હતું.
ભુમાફિયાઓ દ્વારા નદી પર કરાયેલા દબાણ સામે કાર્યવાહી થતાં સ્થાનિક નાગરિકો અને પર્યાવરણ પ્રેમીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. તંત્ર દ્વારા આવાં ગેરકાયદેસર દબાણો સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી ચેતવણી આપવામાં આવી છે.