અમૂલ ડેરી ચૂંટણી માટે પ્રાથમિક મતદાર યાદી રજીસ્ટ્રારને મોકલી
આણંદ : અમૂલ ડેરી દ્વારા પ્રાથમિક મતદારયાદી તૈયાર કરીને જિલ્લા રજીસ્ટ્રારને સોંપી દેવામાં આવી છે. ત્યારે મોટાભાગે ઓગસ્ટમાં મુદત પૂરી થાય તે પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવે તેવી સંભાવના છે.
આણંદ જિલ્લામાં અમૂલની ચૂંટણી માટે આણંદ જિલ્લામાં ચાર, ખેડા જિલ્લામાં છ અને મહિસાગર જિલ્લામાં બે બ્લોક મળી કુલ ૧૨ બ્લોક છે. જ્યારે એક વ્યક્તિગત સભાસદની ચૂંટણી છે. ગત તા. ૨૬મી એપ્રિલ સુધીમાં આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાની ૧૨૫૮ દૂધ મંડળીઓ પાસે મતદાર અંગેના ઠરાવો મંગાવ્યા હતા. જેમાંથી ૧૨૩૬ જેટલા ઠરાવો આવ્યા હતા. ૩૮ ઠરાવો એકથી વધુ આવ્યા હતા. આ તમામ ઠરાવોની ચકાસણી કરી પ્રાથમિક મતદાર યાદી તૈયાર કરી બે દિવસ પહેલા જ નિયમોનુસાર જિલ્લા રજીસ્ટ્રારને મોકલી આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જિલ્લા રજીસ્ટ્રાર કચેરી દ્વારા તેની ચકાસણી કરી યાદીને આગામી દિવસોમાં જિલ્લા કલેક્ટરને મોકલી આપવામાં આવનાર છે.
જિલ્લા કલેક્ટર દ્વારા મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ કરી ચૂંટણી અધિકારીની વરણી કરવા સાથે ચૂંટણી યોજવાનું સત્તાવાર જાહેરનામુ પણ બહાર પાડી દેશે. ત્યારે થોડા સમયમાં બાદ અમૂલની ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ બહાર પડી જવાની શક્યતા છે.
કયા બ્લોકમાં કેટલા ઠરાવ આવ્યા
| બ્લોક | ઠરાવ |
| આણંદ | ૧૧૬ |
| ખંભાત | ૧૦૭ |
| બોરસદ | ૯૮ |
| પેટલાદ | ૮૯ |
| ઠાસરા | ૧૧૦ |
| બાલાસિનો ર | ૯૯ |
| બ્લોક | ઠરાવ |
| કઠલાલ | ૧૦૨ |
| કપડવંજ | ૧૧૪ |
| મહેમદાવાદ | ૧૦૮ |
| માતર | ૯૧ |
| નડિયાદ | ૧૦૯ |
| વિરપુર | ૯૬ |