અમૂલ ડેરીનો મોટો નિર્ણય, સેક્સ-સોર્ટેડ સિમેનના ભાવમાં 50% ઘટાડો
ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (અમૂલ ડેરી) એ ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવા ચેરમેન સાભેસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રથમ બોર્ડ બેઠકમાં, દુધાળા પશુઓના જાતિ સુધારણા હેતુસર સેક્સ-સોર્ટેડ સિમેનના ભાવમાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે નોંધાયેલ દૂધ ઉત્પાદકોને આ ડોઝ માત્ર ₹25 પ્રતિ ડોઝના સહાયરૂપે ઉપલબ્ધ થશે.
બોર્ડે સર્વસંમતિથી ભાવ ઘટાડાને મંજૂરી આપી
બજારમાં સેક્સ-સોર્ટેડ સિમેનની કિંમત સામાન્ય રીતે ₹1000 થી ₹5000 પ્રતિ ડોઝ હોય છે. આ ખાસ પ્રકારના સિમેન ડોઝ દ્વારા 85 ટકાથી વધુ પાડી-વાછરડીનો જન્મ થાય છે, જે પશુપાલકો માટે આર્થિક રીતે વધુ ફાયદાકારક છે. બોર્ડે સર્વસંમતિથી આ ભાવ ઘટાડાને મંજૂરી આપી છે.
85 ટકાથી વધુ પાડી-વાછરડીના જન્મમાં વધારો થયો
ચેરમેન સાભેસિંહ પરમારે જણાવ્યું કે, અમૂલ ફીલ્ડ લેવલે સેક્સ-સોર્ટેડ સિમેનનો ઉપયોગ કરનાર ભારતભરમાં અગ્રણી સંસ્થા છે. તેમણે ઉમેર્યું કે, અમૂલ દૂધ ઉત્પાદકો સાથે નજીકથી કામ કરીને પશુઓની જિનેટિક ગુણવત્તા સુધારી રહ્યું છે અને દૂધ ઉત્પાદન વધારી રહ્યું છે.
વર્ષ 2022 થી અત્યાર સુધીમાં, અમૂલે ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લામાં સભાસદોના ઘર આંગણે 10 લાખથી વધુ સેક્સ-સોર્ટેડ સિમેન ડોઝનો ઉપયોગ કર્યો છે, જેના પરિણામે 85 ટકાથી વધુ પાડી-વાછરડીના જન્મમાં વધારો થયો છે અને સ્થાનિક પશુધનમાં ઝડપી જિનેટિક પ્રગતિ નોંધાઈ છે.
છેલ્લા પાંચ વર્ષમાં દૂધ ઉત્પાદન અને દૂધ સંપાદનમાં નોંધપાત્ર વધારો
આ યોજનાના પ્રારંભિક તબક્કામાં, અમૂલ ડેરીએ દૂધ ઉત્પાદકોને ₹50 પ્રતિ ડોઝે આ સુવિધા પૂરી પાડી હતી. દૂધ ઉત્પાદકોને વધુ સહાય આપવા અને પશુ જાતિની ગુણવત્તા સુધારવા માટે, સંઘે સિમેન સ્ટેશન, ઓડ ખાતે સેક્સ-સોર્ટેડ સિમેન લેબની સ્થાપના કરી છે. આ લેબમાં સારા જિનેટિક ગુણવત્તા ધરાવતા બુલ થકી સેક્સ-સોર્ટેડ સિમેન ડોઝ બનાવવામાં આવે છે, જેના કારણે આધુનિક પ્રજનન ટેક્નોલોજી ખેડૂતો માટે વધુ સસ્તી અને સુલભ બની છે.
આ પહેલ અમૂલ ડેરીના કાર્યક્ષેત્રમાં આવેલા ગાય-ભેંસ માટેની દીર્ઘકાલીન જિનેટિક અપગ્રેડેશન યોજનાનો એક ભાગ છે. છેલ્લા પાંચ વર્ષના આ પ્રયાસોના પરિણામે દૂધ ઉત્પાદન અને દૂધ સંપાદનમાં નોંધપાત્ર વધારો થયો છે.