અમિત ચાવડાનો ભાજપ પર આકરો હુમલો: ‘તલાટીથી CM ઓફિસ સુધી પૈસા વગર કોઈ કામ નથી’
ગુજરાતમાં રાજકીય પરિવર્તનનો સંકલ્પ લઈને કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલી 'જન આક્રોશ યાત્રા' ના દ્વિતીય ચરણનો ગત તારીખ 20 ડિસેમ્બરના રોજ ખેડા જિલ્લાના ફાગવેલથી પ્રારંભ થયો છે. ત્રણ દિવસ સુધી ખેડા જિલ્લાના વિવિધ ગામ-શહેરોમાં પરિભ્રમણ કર્યાં બાદ આજરોજ બોરીયાવી ખાતેથી આ 'જન આક્રોશ યાત્રા' એ આણંદ જિલ્લામાં પ્રવેશ કર્યો છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં નીકળેલી આ 'જન આક્રોશ યાત્રા' બોરીયાવી, લાંભવેલ થઈ આણંદ શહેરમાં આવી પહોંચી હતી. બાંધણી ચોકડી ખાતે આવેલ લીમ્બચ માતાના મંદિર ખાતે સભા યોજવામાં આવી હતી. જેમાં અમિત ચાવડાએ વર્તમાન ભાજપ સરકાર ઉપર આકરાં પ્રહાર કર્યાં હતાં. મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, દારૂ-ડ્રગ્સ ની બદી સહિતના વિવિધ મુદ્દા ઉપર રાજ્ય તેમજ કેન્દ્રની ભાજપ સરકારને ઘેરી હતી.
અંગ્રેજો જેવું શાસન ગાંધીનગર અને દિલ્હીમાં ચાલે છે
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અત્યારે કોઈ ચૂંટણી નથી, કોઈના મત પણ નથી લેવાના. પણ આખા ગુજરાતમાં આ સરકારે ભયનો માહોલ ઉભો કર્યો છે. કોઈ બોલી ના શકે, કોઈ સરકાર વિરૂદ્ધ લખી ના શકે, કોઈ આંદોલન ના કરી શકે, સરકારમાં થતાં ભ્રષ્ટાચાર કે ગેરવહીવટ સામે કોઈનો અવાજ ના ઉઠવો જોઈએ એવું અંગ્રેજો જેવું શાસન ગાંધીનગર અને દિલ્હીમાં ચાલે છે. ચરોતરની ભૂમિ પરના સરદાર પટેલ જેવા વિરલ નેતૃત્વ કે જેણે ગોરા અંગ્રેજોને પણ દેશ છોડવાની ફરજ પાડી, આ જ ગાંધી-સરદારની ગુજરાતની ધરા પરથી જો આ નવા કાળા અંગ્રેજોને ચેલેન્જ આપવામાં નહીં આવે તો, આ ગુલામીના દિવસો અંગ્રેજો કરતાં પણ ખરાબ આવશે. માટે જ ગુજરાતની પ્રજાની તકલીફ, પીડા, દર્દ અને આક્રોશને વાચા આપવા માટે આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે.
ગુજરાતમાં સતત દશ દિવસ કમોસમી વરસાદ પડ્યો અને ખેડૂતોનો બધો જ ઉભો પાક બરબાદ થઈ ગયો. ખેડૂતો નિરાશ થઈ ચૌધાર આંસુએ રડતાં હતાં. આ ખેડૂતોનો અવાજ બનવા માટે કિસાન આક્રોશ યાત્રા કોંગ્રેસે શરૂ કરી.
ગૃહમંત્રી અમિત શાહના મત વિસ્તારમાં જ દારૂની રેલમછેલ
આ જન આક્રોશ યાત્રા દરમિયાન પ્રજાએ અમને જણાવ્યું કે, ગુજરાતના તમામ ગામોમાં દારૂ મળે છે અને બધી જ જગ્યાએ પોલીસ બૂટલેગરો પાસેથી હપ્તા ઉઘરાવે છે. દેશના ગૃહમંત્રી અમિત શાહના મત વિસ્તારમાં આજે એક ગાડી પલ્ટી ખાઈ ગઈ, આ ગાડીમાંથી પાણી, પેટ્રોલ કે ડિઝલ ના ઢોળાયું. પરંતુ આ ગાડીમાંથી જાણે દારૂ વહેતો હોય તેમ દારૂની બોટલો તૂટી પડી. તેમછતાં આ સરકારના પેટનું પાણી હાલતું નથી. એટલા માટે ગુજરાતની મહિલાઓનો અવાજ છે કે, દારૂબંધી થવી જોઈએ, ડ્રગ્સ બંધ થવો જોઈએ, યુવાનો બરબાદ થતાં અટકવા જોઈએ, બહેન-દિકરીઓ વિધવા થતી અટકવી જોઈએ.
સાયકલના ઠેકાણા ન હોય તેવા ભાજપના નેતાઓ પાસે અત્યારે મોંઘીદાટ કાર છે
ગુજરાતમાં ચારેય તરફ ભ્રષ્ટાચાર છે. ગામના તલાટીથી લઈને મુખ્યમંત્રીની ઓફિસ સુધી વ્યવહાર વિના કોઈના કામ થતાં નથી. 5 થી 10 વર્ષ પહેલા ભાજપના નેતાઓ પાસે સાયકલ કે સ્કૂટરના ઠેકાણા ન હતા અને આજે એ જ નેતાઓ અને તેમના મળતીયાઓ મોંઘીદાટ ગાડીઓ લઈને ફરે છે. ચારેય બાજુથી થતો ભ્રષ્ટાચાર એ ભાજપના મળતીયાઓ અને તેમના માણસો કરી લૂંટ ચલાવે છે.
અમૂલમાં નોકરીનો ભાવ 35 લાખ રૂપિયા થઈ ગયો
મોંઘુ શિક્ષણ લીધાં પછી પણ યુવાનોને નોકરી મળતી નથી. મેં ફાગવેલમાં બધાને પુછ્યું કે, અમૂલમાં અને બીજે બધે નોકરીઓનો ભાવ 15-20 લાખ ચાલે છે ? તો ઓડિયન્સમાંથી કહ્યું 15-20 લાખ નહીં, પરંતુ હવે તો 35 લાખ રૂપિયા થઈ ગયાં છે. પૈસા આપ્યાં વગર હવે નોકરીઓ નથી મળતી. સરકારી પરીક્ષા આપે તો પેપર ફુટી જાય છે, GPSCના ઈન્ટરવ્યુમાં નામ અને જાતિ જોઈને માર્ક્સ આપવામાં આવે છે. નોકરી મળે તો ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગના નામે શોષણ થાય છે.
આણંદ શહેરના સો ફૂટના રોડ પર આવેલ ઇન્દિરા ગાંધી સ્ટેચ્યુ પાસે કોંગી કાર્યકરોએ આ 'જન આક્રોશ યાત્રા' નું સ્વાગત કર્યું હતું. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને તુષાર ચૌધરીએ ઇન્દિરા ગાંધીની પ્રતિમાને હાર પહેરાવી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતાં. જે બાદ આ યાત્રા વિદ્યાનગર, કરમસદ, વલાસણ થઈ બાંધણી ચોકડી પહોંચી હતી. દરમિયાન આ યાત્રામાં સ્થાનિક કોંગી નેતાઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતાં.