Advertisement

અમદાવાદમાં વાસી ઉત્તરાયણની સાંજે પોશ વિસ્તારમાં દારૂ-ડાન્સ પાર્ટી પર પોલીસ દરોડો

અમદાવાદમાં વાસી ઉત્તરાયણની સાંજે પોશ વિસ્તારમાં દારૂ-ડાન્સ પાર્ટી પર પોલીસ દરોડો

અમદાવાદમાં વાસી ઉત્તરાયણની ઢળતી સાંજે યુનિવર્સિટી વિસ્તારના ગુલબાઈ ટેકરા – પંચવટી વિસ્તારમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યુનિવર્સિટી પોલીસે એક વૈભવી ફ્લેટના ટેરેસ પર ચાલી રહેલી દારૂ, ડી.જે. અને ડાન્સ પાર્ટી પર દરોડો પાડી 16 યુવક-યુવતીઓને નશાની હાલતમાં ઝડપી લીધા હોવાનું સામે આવ્યું છે.

ગેટ-ટુ-ગેધરના નામે પાર્ટી, DJ અને ડાન્સથી વિસ્તાર ગૂંજ્યો

પ્રાપ્ત માહિતી મુજબ, ગુલબાઈ ટેકરા પંચવટી વિસ્તારમાં શ્રી સોસાયટી નજીક આવેલા સેન્ટેરિયન વિસ્ટા નામના પાંચ માળના વૈભવી એપાર્ટમેન્ટના ટેરેસ પર વાસી ઉત્તરાયણની સાંજે ગેટ-ટુ-ગેધરના નામે પાર્ટી યોજાઈ હતી.
પાર્ટીમાં ડી.જે. મ્યુઝિક, ડાન્સ, દારૂ અને હુક્કાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પાર્ટીની અવાજભરી ધમાલથી આસપાસના રહીશો પરેશાન થતા એક નાગરિકે શહેર પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફરિયાદ નોંધાવી હતી.

યુનિવર્સિટી પોલીસનો તાત્કાલિક દરોડો

ફરિયાદ મળતા જ યુનિવર્સિટી પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ટેરેસ પર હાજર અંદાજે 30 જેટલા યુવક-યુવતીઓની તપાસ કરવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં 12 યુવક અને 4 યુવતી મળી કુલ 16 લોકો નશાની હાલતમાં હોવાનું જણાતાં તમામને મેડિકલ ટેસ્ટ માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પાર્ટીનું આયોજન ઈન્ફ્લુએન્સર દ્વારા

ચાર કલાકની તપાસ બાદ પોલીસે જણાવ્યું હતું કે, આ પાર્ટીનું આયોજન કુશલ શાહ નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હતું, જે ઈન્ફ્લુએન્સર તરીકે કાર્યરત હોવાનું જાણવા મળ્યું છે.
સ્થળ પરથી પોલીસે દારૂની ખાલી તથા ભરેલી મળી કુલ 20 જેટલી બોટલો, હુક્કા, નાસ્તો અને ખાવાના પાંચ અલગ-અલગ કાઉન્ટર પણ કબ્જે કર્યા છે.

પોશ વિસ્તારમાં ઘટના બનતા ચકચાર

પોશ ગણાતા વિસ્તારમાં આવેલા કુલ 10 ફ્લેટ ધરાવતા એપાર્ટમેન્ટના ટેરેસ પર દારૂ અને ડાન્સ પાર્ટી ઝડપાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઉત્તરાયણના તહેવાર દરમિયાન આવી પાર્ટી ઝડપાતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આગળની કાર્યવાહી હાથ ધરાઈ

પોલીસ દ્વારા તમામ પકડાયેલા યુવક-યુવતીઓના મેડિકલ રિપોર્ટના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Advertisement