Advertisement

અમદાવાદમાં હચમચાવતી ઘટના: કાંકરિયાના ગેટ નંબર 7 પાસે મંગેતરે જ પથ્થર મારી યુવતીને પતાવી દીધી

અમદાવાદમાં હચમચાવતી ઘટના: કાંકરિયાના ગેટ નંબર 7 પાસે મંગેતરે જ પથ્થર મારી યુવતીને પતાવી દીધી

અમદાવાદ: શહેરના હૃદય સમાન કાંકરિયા વિસ્તારમાં મોડી રાત્રે એક ચોંકાવનારી હત્યાની ઘટના બની છે, જેનાથી સમગ્ર મણિનગર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. કાંકરિયાના ગેટ નંબર 7 પાસે એક યુવતીની પથ્થરના બ્લોક વડે હુમલો કરી કરપીણ હત્યા કરવામાં આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આ હત્યા કરનાર અન્ય કોઈ નહીં પરંતુ યુવતીનો પોતાનો જ મંગેતર હોવાનું ખુલ્યું છે, જેને પગલે પરિસરમાં અરેરાટી વ્યાપી ગઈ છે.


ઘટનાની વિગતો મુજબ, કાંકરિયાના ગેટ નંબર 7 પાસે ફલકનાઝ પઠાણ નામની યુવતી અને તેના મંગેતર મોહમ્મદ આવેશ પઠાણ વચ્ચે કોઈ ગંભીર બાબતે તકરાર થઈ હતી. બોલાચાલી એટલી હદે વધી ગઈ હતી કે આવેશ પઠાણે ઉશ્કેરાટમાં આવી નજીકમાં પડેલા એક પથ્થરના બ્લોક વડે ફલકનાઝના માથા અને શરીરના ભાગે હિંસક હુમલો કર્યો હતો. આ જીવલેણ હુમલામાં ગંભીર ઈજાઓ થવાને કારણે ફલકનાઝનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.


મણિનગર પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યા પાછળ શંકાનું કારણ હોવાનું જણાઈ રહ્યું છે. જોકે, બંને વચ્ચે ઝઘડાનું મૂળ કારણ શું હતું તે આરોપીની ધરપકડ બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ફરાર આરોપી મોહમ્મદ આવેશને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

Advertisement