Advertisement

અમદાવાદમાં પુત્ર જ બન્યો માતાનો કાતિલ, મિલકત વિવાદે લીધો જીવ

અમદાવાદમાં પુત્ર જ બન્યો માતાનો કાતિલ, મિલકત વિવાદે લીધો જીવ

અમદાવાદના મકરબા વિસ્તારમાં ગત(30 જાન્યુઆરી) મોડી રાત્રે એક પુત્રએ માતાની હત્યા કરી છે. સંપતિના વિવાદમાં પુત્રએ માતાને માથે લાકડાના દંડા વડે ફટકા મારીને હત્યા કરી છે. બનાવની જાણ થતા આનંદનગર પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે પુત્ર સામે ગુનો નોધી ધરપકડ કરી છે.


મકરબા વિસ્તારમાં આવેલા ઔડાના મકાનમાં રહેતાં કપિલાબેન દેવીપૂજક ઘરે હાજર હતાં ત્યારે તેમનો દીકરો અજય આવ્યો હતો. માતા-પુત્ર વચ્ચે એક ઘરને લઈને વિવાદ ચાલતો હતો, જેથી અજયે ઘરના બદલામાં પૈસા માગ્યા હતા.


જોકે કપિલાબેને પૈસા આપવાની ના પાડી હતી, જેથી અજય ઉશ્કેરાયો હતો. અજયે કપિલાબેન સાથે ઉગ્ર રીતે વાત કરી હતી, જે બાદ કપિલાબેનને બાજુમાં પડેલા દંડા વડે માથામાં ફટકા માર્યા હતા.


કપિલાબેનને માથામાં ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવમાં કપિલાબેનનું સારવાર દરમિયાન મોત થયું છે. બનાવની જાણ થતાં આનંદનગર પોલીસ સ્થળ પર પહોચી હતી. પોલીસે સ્થળ પરથી હત્યા કરનાર અજયની ધરપકડ કરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement