અમદાવાદની 8 સ્કૂલોમાં બોમ્બ મૂકાયાની ધમકી, બાળકોને ઘરે રવાના કરાયા, પોલીસ ઘટનાસ્થળે
અમદાવાદમાં ફરી એકવાર શાળાઓમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે સવારે અમદાવાદની ઝેબર,મહારાજા અગ્રસેન અને ઝાયડસ, DAV ઈન્ટરનેશલ, ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ, આવિષ્કાર સ્કૂલ, અને જેમ્સ એન્ડ જેમિસન અને નિર્માણ સ્કૂલ સહિત 8 સ્કૂલમાં બોમ્બ મુક્યાનો ધમકીભર્યો ઈમેઈલ મળતા પોલીસ તંત્ર અને શાળા સંચાલકોમાં દોડાદોડ મચી ગઈ હતી.
આ સ્કૂલોને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો
ઝેબર સ્કૂલ, થલતેજ
મહારાજા અગ્રસેન સ્કૂલ, ગુરુકુળ રોડ
DAV ઈન્ટરનેશલ, મકરબા
નિર્માણ સ્કૂલ, વસ્ત્રાપુર
ઝાયડસ સ્કૂલ, વેજલપુર
CBSE ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ, અડાલજ
આવિષ્કાર સ્કૂલ, કલોલ
જેમ્સ એન્ડ જેમિસન, ખોરજ-ખોડિયાર
ઈમેલ દ્વારા અપાઈ ધમકી
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે અંદાજે 10 વાગ્યાના સુમારે સ્કૂલ પ્રશાસનને એક શંકાસ્પદ ઈમેઈલ મળ્યો હતો, જેમાં સ્કૂલમાં બોમ્બ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ બાબતની જાણ થતાની સાથે જ સ્કૂલ સંચાલકોએ ત્વરિત ધોરણે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો, ફાયર બ્રિગેડની ટીમ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ (BDDS) તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાવચેતીના ભાગરૂપે શાળામાંથી તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી વર્ગખંડોમાંથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને શાળાનું ગ્રાઉન્ડ ખાલી કરાવવામાં આવ્યું હતું.
બોમ્બ સ્કવૉડ સ્કૂલોમાં પહોંચી
હાલમાં બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા સમગ્ર સ્કૂલ કેમ્પસમાં ખૂણે-ખૂણે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને તેઓ સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા હાલ ઈમેઈલનું પગેરું શોધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ અમદાવાદની અનેક નામાંકિત સ્કૂલોને આવા ફેક ઈમેઈલ મળી ચૂક્યા છે.
વેજલપુર PIએ જણાવ્યા મુજબ, આજે સવારે ઈમેલ દ્વારા ઝાયડસ, ઝેબર, અગ્રેસન અને ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ ને ઉડાવી દેવાની ધમકી મળી છે. જે બાદ બોમ્બ સ્કોડ, ક્રાઈમ બ્રાન્ચ, પોલીસ અને ફાયરનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે અને તપાસ હાથ ધરી છે. આ ધમકી ભર્યો ઈમેલ કોના દ્વારા અને ક્યાંથી કરવામાં આવ્યો છે તેની તપાસ ચાલી રહી છે.