Advertisement

અઝરબૈજાનમાંથી આણંદના બે યુવાનોની મુક્તિ, ભારતીય દૂતાવાસની મોટી કામગીરી

અઝરબૈજાનમાંથી આણંદના બે યુવાનોની મુક્તિ, ભારતીય દૂતાવાસની મોટી કામગીરી

આણંદ જિલ્લાના બે યુવાનોને અમેરિકા મોકલવાના બહાને અઝરબૈજાનમાં બંધક બનાવી ₹65 લાખની ખંડણી પડાવવામાં આવી છે. કંથારિયાની એક યુવતી અને ઝાંખરિયાના યુવકને મુંબઈના એજન્ટોએ કેનેડા થઈને અમેરિકા મોકલવાની લાલચ આપી હતી. 


એજન્ટોએ યુવક-યુવતીને અમેરિકા મોકલવાને બદલે અઝરબૈજાનમાં કેદ કરી લીધા હતા. અપહરણકર્તાઓએ યુવકને માર મારતો વીડિયો પરિવારજનોને વોટ્સએપ કોલ દ્વારા બતાવી ડરાવ્યા હતા અને અત્યાર સુધીમાં ₹65 લાખ પડાવી લીધા હતા. વધુ પૈસાની માંગણી સાથે કિડની કાઢી વેચી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી.


આ મામલે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે પાંચ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આણંદ LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા મુંબઈના એજન્ટોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે.


આણંદના સાંસદ મિતેશભાઈ પટેલે (બકાભાઈ) આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયમાં તાત્કાલિક રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે, અઝરબૈજાનના બાકુમાં ફસાયેલા બે ગુજરાતી યુવાનો ધ્રુવ મુકેશભાઈ પટેલ (ઝાંખરિયા, આણંદ) અને દીપિકા ધવલ પટેલ (કંથારિયા, આણંદ) માનવ તસ્કરી અને ગેરકાયદે અમેરિકા લઈ જવાના કાવતરામાં ફસાયા હતા.


સાંસદ મિતેશભાઈ પટેલે વિદેશમંત્રી ડો. એસ. જયશંકર સાથે વ્યક્તિગત રીતે મુલાકાત કરી પરિસ્થિતિની વિગતવાર માહિતી આપી હતી. ડો. જયશંકરે બંને યુવાનોને સુરક્ષિત રીતે ભારત પાછા લાવવાની ખાતરી આપી હતી. બાકુ ખાતેના ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલયની ટીમે ઝડપથી કાર્યવાહી કરી માત્ર 24 કલાકમાં આ બંને યુવાનોને શોધી કાઢ્યા હતા.


આ ઓપરેશનને 'ઓપરેશન મહીસાગર' નામ આપવામાં આવ્યું છે. આ ઘટના દર્શાવે છે કે વિદેશમાં ભારતીય નાગરિકોની સુરક્ષા મોદી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. હાલમાં, બંને યુવાનોને સુરક્ષિત રીતે ભારત લાવવાની કાર્યવાહી ચાલુ છે.

Advertisement