Advertisement

PMને મારવાની ધમકી! DMK નેતાનો વીડિયો વાયરલ, રાજકારણ ગરમ

PMને મારવાની ધમકી! DMK નેતાનો વીડિયો વાયરલ, રાજકારણ ગરમ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે, બુધવારે, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુના પ્રવાસે છે, ત્યારે તેમના પ્રવાસ પહેલા જ તમિલનાડુના સત્તાધારી પક્ષ DMK ના એક નેતાનો  તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતો વીડિયો વાયરલ થતાં મોટો રાજકીય હોબાળો મચી ગયો છે.

તમિલનાડુના તેનકાસી જિલ્લામાં SIR (મતદાર યાદી સુધારણા) વિરુદ્ધના વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં DMK ના દક્ષિણ જિલ્લા સચિવ જયપાલને  પરોક્ષ રીતે વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

વિવાદાસ્પદ નિવેદન

DMK નેતા જયપાલને PM મોદીની સરખામણી નરકાસુર સાથે કરતા કહ્યું: "તમારા વોટ છીનવી લેવા માટે મોદી તડપી રહ્યા છે, તેઓ બીજા નરકાસુર છે. તેમને ખતમ કરવાથી જ તમિલનાડુનું ભલું થઈ શકે છે. આપણે આ લડાઈ એકજૂથ થઈને લડવાની છે અને જીતીને બતાવવાનું છે."

ભાજપે તાત્કાલિક ધરપકડની માંગ કરી

આ ધમકીભર્યો વીડિયો સામે આવતા જ ભાજપ ભડક્યું છે. તમિલનાડુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ નયનાર નાગેન્દ્રને આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને DMK નેતાની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે.

ભાજપનો આક્ષેપ

નાગેન્દ્રને લખ્યું કે, "દેશના એક અત્યંત મહત્ત્વપૂર્ણ પદ પર આસીન નેતા, જેનું આખું વિશ્વ સન્માન કરે છે, તેમને સ્ટેજ પરથી જાનથી મારી નાખવાની ધમકી આપવી એ તમિલનાડુની કાયદો-વ્યવસ્થા પર શંકા ઊભી કરે છે." તેમણે જણાવ્યું કે ત્યાં હાજર સાંસદ અને ધારાસભ્યની ચૂપકીદી સમગ્ર પાર્ટીના હિંસક સ્વભાવને ઉજાગર કરે છે.

વડાપ્રધાન મોદી આજે બુધવારે આંધ્ર પ્રદેશના પુટ્ટાપાર્થીમાં સત્ય સાંઈ બાબાના પવિત્ર તીર્થસ્થળની મુલાકાત લેશે અને ત્યારબાદ તમિલનાડુના કોઈમ્બતૂર જઈને દક્ષિણ ભારત પ્રાકૃતિક કૃષિ શિખર સંમેલનનું ઉદ્ઘાટન કરશે તેમજ PM-કિસાન યોજના હેઠળ ખેડૂતોને ૨૧મો હપ્તો પણ જાહેર કરશે.

Advertisement