Advertisement

DyCM હર્ષ સંઘવીની આણંદ બસ સ્ટેન્ડ પર અચાનક મુલાકાત: વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ, બસમાં ચઢી નિરીક્ષણ કર્યું

DyCM હર્ષ સંઘવીની આણંદ બસ સ્ટેન્ડ પર અચાનક મુલાકાત:  વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ, બસમાં ચઢી નિરીક્ષણ કર્યું

DyCM હર્ષ સંઘવીની આણંદ બસ સ્ટેન્ડ પર અચાનક મુલાકાત: વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ, બસમાં ચઢી નિરીક્ષણ કર્યું

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ તથા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આણંદ જિલ્લાના પ્રવાસ દરમિયાન આણંદના નવા બસ સ્ટેન્ડની આકસ્મિક મુલાકાત લીધી હતી. તેમણે બસ સ્ટેન્ડમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો.

મંત્રી સંઘવીએ બસના વિવિધ રૂટ, તેના આવાગમનના સમય અને મુસાફરોની જરૂરિયાતો વિશે જાણકારી મેળવી હતી. તેમણે આગામી સમયમાં મુસાફરોને આધુનિક સુવિધાઓ મળી રહે તે માટેના આયોજન અંગે માર્ગદર્શક સૂચનો પણ આપ્યા હતા.

મુલાકાત દરમિયાન, મંત્રી હર્ષ સંઘવીએ બોરસદ રૂટની એક બસમાં પ્રવેશીને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અને બસના સમયપત્રક અંગે પૂછપરછ કરી હતી. આ ઉપરાંત, તેમણે બસમાં સ્વચ્છતાના માપદંડોનું જાતે નિરીક્ષણ કર્યું હતું.

મંત્રીએ બસમાં ઉપસ્થિત મુસાફરો અને વિદ્યાર્થીઓને સ્વચ્છતાનું પાલન કરવા અને અન્યોને પણ સ્વચ્છતા જાળવવા પ્રેરિત કરવા અનુરોધ કર્યો હતો. વાહન વ્યવહાર મંત્રીએ જાહેરાત કરી હતી કે, રાજ્યભરમાં આગામી સમયમાં 200 નવી બસો શરૂ કરવામાં આવશે. આમાંથી 4 નવી બસો આણંદ-બોરસદ રૂટ પર ફાળવવામાં આવશે, જેનાથી મુસાફરો અને વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખંભાત સુધીની બસોના રૂટની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે, જેથી પરિવહન સેવા વધુ સુદ્રઢ બનશે.

મંત્રીએ બસ સ્ટેન્ડ પરના ઇન્કવાયરી વિન્ડો પર ફરજ બજાવતા GSRTCના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે પણ સંવાદ કર્યો હતો. તેમણે બસ સેવાઓમાં ખૂટતી કડીઓ અને જરૂરી સુવિધાઓ અંગે માહિતી મેળવીને તંત્રને તાત્કાલિક સૂચનાઓ આપી હતી. તેમણે બસ સ્ટેન્ડ પર સ્વચ્છતા જાળવવા, મુસાફરોને કોઈ તકલીફ ન પડે તેની ખાતરી કરવા અને પરિવહન સેવાને વધુ સુદ્રઢ બનાવવા પર ભાર મૂક્યો હતો.

Advertisement