7 થી 15 ઓક્ટોબર ‘વિકાસ સપ્તાહ’: આણંદમાં સુવ્યવસ્થિત આયોજન માટે ચર્ચા
ગુજરાત સરકાર દ્વારા "નાગરિક પ્રથમ અભિગમ" સાથે લોકાભિમુખ શાસનના ભાગરૂપે રાજ્યભરમાં દર વર્ષે 7થી 15 ઓક્ટોબર દરમિયાન "વિકાસ સપ્તાહ" ઉજવવાનો નિર્ણય લેવાયો છે. આ અંતર્ગત આણંદ જિલ્લામાં પણ 7થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.
આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી સુચારુ રૂપે થાય તે માટે કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈએ કરી હતી. નિવાસી અધિક કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ દિવસોની ઉજવણી કરાશે. આ ઉજવણી દરમિયાન અનેકવિધ કાર્યક્રમો યોજાશે, જેના સુચારુ આયોજન માટે પ્રત્યેક વિભાગે તૈયારી કરવી જરૂરી છે. તેમણે વિકાસ સપ્તાહ ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત વિવિધ દિવસોની વિગતો આપી હતી.
આ સપ્તાહ દરમિયાન યુવા સશક્તિકરણ દિવસ, રોજગાર મેળો, પોષણ દિવસ, ઉદ્યોગ સાહસિકતા દિવસ, કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવ જેવા દિવસોની ઉજવણી કરાશે. આ ઉપરાંત, વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરે વિકાસ સપ્તાહની ઉજવણી માટે સંબંધિત વિભાગો દ્વારા કરવાની થતી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે. વી. દેસાઈ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.