2.21 લાખ મતદારોના નામ 2002ની યાદીમાં મળ્યા નહીં, પુરાવાના આધારે SIR ફોર્મ ભર્યા
SIRની બહુચર્ચિત પ્રક્રિયા માટે હવે ગુરૂવારનો દિવસ અંતિમ રહ્યો છે. બીએલઓએ રાત્રે 12 વાગ્યા સુધીમાં તમામ ફોર્મ પરત લઇને ઓનલાઇન અપલોડ કરવાના રહે છે. જોકે, ગાંધીનગર જિલ્લામાં ડિજીટલાઇઝ કરવાની કામગીરી 99.98 ટકા પુર્ણ થઇ ગઇ છે. બુધવારે બપોરે 2 વાગ્યા સુધીની સ્થિતિએ ગાંધીનગર દક્ષિણને બાદ કરતા અન્ય ચારેય વિધાનસભા બેઠકોમાં 100 ટકા કામગીરી થઇ છે જ્યારે ગાંધીનગર દક્ષિણમાં 99.92 ટકા કામગીરી થઇ છે.
ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ મતદારોએ 2002ની યાદી સાથે મેપીંગ કરવાનું ફરજિયાત હતું. અને જો એ યાદીમાં નામ ન હોય તો માતા- પિતા અથવા પરિવારના સભ્યોના નામ સાથે મેપિંગ કરવાનું હતું. જો તે શક્ય ન હોય તો નિયત કરેલા 14 પૈકી કોઇ એક પુરાવાના આધારે ફોર્મ ભરવાનું હતું. ગાંધીનગર જિલ્લામાં કુલ મતદારો પૈકી 2.21 લાખ એટલે કે 15.91 ટકા મતદારોનું મેપીંગ થયું નથી. આ મતદારોએ પુરાવાના આધારે ફોર્મ ભર્યા છે.
ચૂંટણી પંચની ગાઇડલાઇન સાથે મેપીંગ વિના પુરાવા સાથે ફોર્મ ભરનાર મતદારોની પણ અલગ ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જે સાથે તેમને નોટીસ આપીને મતદાર નોંધણી અધિકારી સમક્ષ રૂબરૂમાં પુરાવા રજૂ કરવા બોલાવવામાં આવશે. ગાંધીનગર જિલ્લામાં 31.92 ટકા એટલે કે 4.43 લાખ મતદારોનું સેલ્ફ મેપીંગ મતલબ 2002ની યાદીમાં નામ હતું તેવા છે. 36.48 ટકા એટલે કે 5.06 લાખ મતદારોએ માતા- પિતા અથવા પરિવારના સભ્યોના આધારે મેપીંગ કરાવ્યું છે.
1.13 લાખનું કાયમી સ્થળાંતર, 56537 મૃતકો મળ્યાં
SIRની કામગીરી દરમિયાન બીએલઓ દ્વારા કરવામાં આવતી ચકાસણીમાં મતદાર યાદીમાં નોંધાયેલા મતદારો પૈકી 1.13 લાખ મતદારોનું કાયમી સ્થળાંતર થયું હોવાનું જણાયું છે. સૌથી વધુ 32088નું સ્થળાંતર 11704 મતદારો ડુપ્લીકેટ અને 33893 મતદારો ગેરહાજર મળી આવ્યા હતા. હવે આ તમામની અલગ એએસડી યાદી બનશે. જેમને નોટીસ આપીને સુનાવણીની તક આપવામાં આવશે.
2.17 લાખ મતદારોના નામ બાકાત રહેશે
જિલ્લામાં નોંધાયેલા કુલ 13.89 લાખ મતદારો પૈકી 100 ટકા મતદારોના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. પરંતુ તેમાંથી ભરાઇને માત્ર 84.33 ટકા એટલે કે 11.71 લાખ મતદારોના ફોર્મ ભરાઇને પરત આવ્યા છે અને અપલોડ થયા છે. બાકીના 2.17 લાખ મતદારો સ્થળાંતર, ગેરહાજર, મૃત્યુ, ડુપ્લીકેટની કેટેગરીમાં સમાવેશ કરાયો છે. જેથી તેમના નામ ડ્રાફ્ટ યાદીમાં સમાવાશે નહીં.
ઇનસાઇડ; 2 હજાર મતદારે ફોર્મમાં સહી કરવાનો ઇન્કાર કર્યો
SIRની પ્રક્રિયા દરમિયાન બીએલઓ દ્વારા આપવામાં આવતા એમ્યુનરેશન ફોર્મમાં મતદારની અથવા પરિવારના મોભી અથવા સભ્યની સહી કરવી ફરજિયાત હતી. પરંતુ જિલ્લામાં કુલ 2073 મતદારોએ ફોર્મમાં સહી કરવાનો ઇન્કાર કર્યો છે. આ મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ કરવામાં આવશે નહીં. આવા લોકોના નામ પણ એએસડી યાદીમાં અલગથી જાહેર કરવામાં આવશે.