આણંદ શહેરના જે. કે. તીર્થ પાર્ટી પ્લોટ ખાતે માનવસેવાને સમર્પિત ‘હેલ્પ ફ્રેન્ડ ફાઉન્ડેશન’ ગ્રુપ દ્વારા તેમના 1125મા સેવા કાર્યક્રમ અંતર્ગત એક ઐતિહાસિક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનાથ, પિતાની છત્રછાયા ગુમાવનાર, દિવ્યાંગ અને જરૂરિયાતમંદ પરિવારની 25 દીકરીઓએ શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.
આ મંગળ પ્રસંગે સાધુ-સંતો અને મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જેમાં BAPS ના પૂ. ભગવતચરણ સ્વામી, ઉમરેઠ સંતરામ મંદિરના પૂ. ગણેશદાસ મહારાજ, કરમસદ સંતરામ મંદિરના પૂ. મોરારીદાસ મહારાજ અને બાપેશ્વર મહાદેવના પૂ. મધુસુદનગીરી મહારાજે આશીર્વચન આપ્યા હતા. સાથે જ રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ અને હરિયાણાથી ખાસ પધારેલા જુનિયર વિરાટ કોહલી (લક્ષ્યજી) એ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.
કાર્યક્રમની શરૂઆત 51 બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવીને કરવામાં આવી હતી. આ ભગીરથ કાર્યમાં ભોજનના દાતા તરીકે નિકુલભાઈ પટેલ (રતનપુરા) અને મંડપ ડેકોરેશનના દાતા તરીકે USA સ્થિત શ્રી કલ્પિતભાઈ અને જતીનભાઈ પટેલે સેવા આપી હતી, જેમનું સ્મૃતિભેટ આપી સન્માન કરાયું હતું.
ગ્રુપના પ્રમુખ વિપુલ ગજ્જર, મંત્રી તુષાર પટેલ તેમજ સમૂહ લગ્ન ચેરમેન મૌલિક પટેલ અને વિશાલ પટેલની જહેમતથી યોજાયેલા આ પ્રસંગમાં ગ્રુપના 300 મિત્રો અને 5000થી વધુ મહેમાનોએ હાજરી આપી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા.